23 July, 2025 01:43 PM IST | Dhaka | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાન પર ઐતિહાસિક સિરીઝ જીતની ઉજવણી કરતા બંગલાદેશના ખેલાડીઓ.
બંગલાદેશની ટીમે ગઈ કાલે પાકિસ્તાન સામેની ત્રણ મૅચની T20 સિરીઝમાં ૨-૦થી લીડ મેળવી ઢાકામાં ઇતિહાસ રચ્યો હતો. આ ફૉર્મેટની સિરીઝમાં બંગલાદેશે પહેલી વાર પાકિસ્તાનને હરાવ્યું છે. પાકિસ્તાની ટીમ આ પહેલાં બંગલાદેશ સામે ત્રણેય T20 જીત્યું હતું. યજમાન ટીમ ૨૦ ઓવરમાં ૧૩૩ રને ઑલઆઉટ થઈ હતી જેની સામે પાકિસ્તાન ૧૯.૨ ઓવરમાં ૧૨૫ રને ઑલઆઉટ થયું હતું. લિમિટેડ ઓવર્સની સિરીઝમાં પાકિસ્તાન બંગલાદેશ સામે એક દાયકા બાદ હાર્યું. ૨૦૧૫માં બંગલાદેશે પાકિસ્તાન સામે પહેલી અને એકમાત્ર વન-ડે સિરીઝ જીતી હતી.
એક ફોર અને પાંચ સિક્સ ફટકારનાર જૅકર અલી (૪૮ બૉલમાં પંચાવન રન)ની ઇનિંગ્સની મદદથી બંગલાદેશ સન્માનજનક સ્કોર સુધી પહોંચ્યું હતું. પાકિસ્તાનના બોલિંગ યુનિટમાંથી ફાસ્ટ બોલર સલમાન મિર્ઝા (૧૭ રનમાં બે વિકેટ)એ શાનદાર પ્રદર્શન કર્યું હતું. સરળ ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલી મહેમાન ટીમે ૪.૪ ઓવરમાં ૧૫ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી જે T20માં પાંચ વિકેટ બાદનો તેમનો લોએસ્ટ સ્કોર હતો. આઠમા ક્રમે આવેલા ઑલરાઉન્ડર ફહીમ અશરફે (૩૨ પૉલમાં ૫૧ રન) ચાર ફોર અને ચાર સિક્સ ફટકારીને વાપસીનો પ્રયત્ન કર્યો હતો.
અંતિમ ઓવરમાં પાકિસ્તાનને જીત માટે ૧૩ રનની જરૂર હતી ત્યારે બંગલાદેશે ચાર બૉલ પહેલાં અંતિમ વિકેટ લઈને રોમાંચક અંદાજમાં મૅચ જીતી લીધી હતી. બંગલાદેશનો ફાસ્ટ બોલર શોરીફુલ ઇસ્લામ (૧૭ રનમાં ૩ વિકેટ) મૅચમાં સૌથી સફળ બોલર સાબિત થયો હતો. સિરીઝની અંતિમ મૅચ ૨૪ જુલાઈએ ઢાકામાં જ રમાશે.