ઢાકાની પિચ ઇન્ટરનૅશનલ ધોરણો મુજબની નથી, એ કોઈ માટે આદર્શ અને સ્વીકાર્ય નથી

22 July, 2025 12:07 PM IST  |  Dhaka | Gujarati Mid-day Correspondent

બંગલાદેશ સામે T20માં પહેલી વાર ઓલઆઉટ થતાં પાકિસ્તાની હેડ કોચ માઇક હેસન કહે છે...

માઇક હેસન

રવિવારે પાકિસ્તાને બંગલાદેશ સામેની સિરીઝની પહેલી T20માં ૭ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ઘરઆંગણે બંગલાદેશની પાકિસ્તાન સામે ૨૦૧૬ બાદ આ પહેલી T20 જીત હતી. પાકિસ્તાન ૧૯.૩ ઓવરમાં ૧૧૦ રન કરી બંગલાદેશ સામે પહેલી વાર ઑલઆઉટ થયું હતું. બંગલાદેશ સામે પાકિસ્તાનનો આ સૌથી ઓછો T20 સ્કોર પણ હતો.

ઢાકાના શેર-એ-બાંગલા નૅશનલ સ્ટેડિયમમાં મળેલી આ કારમી હાર બાદ પાકિસ્તાનની લિમિટેડ ઓવર્સની ટીમના હેડ કોચ માઇક હેસન વિચિત્ર નિવેદન આપતાં કહે છે કે ‘હું બૅટિંગમાં અમારી નિષ્ફળતા માટે કોઈ બહાનું નથી બનાવતો, પણ ઢાકાની પિચ ઇન્ટરનૅશનલ ધોરણો મુજબની નથી. એ કોઈ માટે આદર્શ નથી. ટીમો એશિયા કપ અથવા T20 વર્લ્ડ કપ માટે તૈયારી કરી રહી છે. એ સ્વીકાર્ય નથી.’

માઇક હેસને વધુમાં કહ્યું, ‘ક્રિકેટરોને તેમની કુશળતા સુધારવા માટે સારી ક્રિકેટ-પિચની જરૂર છે. મને નથી લાગતું કે જ્યારે તેઓ બંગલાદેશની બહાર જાય છે ત્યારે તેમને આવી પિચો પર રમવાથી મદદ મળશે.’

બાવીસ અને ૨૪ જુલાઈએ સિરીઝની અંતિમ બે મૅચ પણ ઢાકાના આ જ સ્ટેડિયમમાં રમાશે. સિરીઝમાં યજમાન ટીમ બંગલાદેશ ૧-૦થી આગળ છે.

pakistan bangladesh t20 dhaka cricket news sports news sports t20 world cup t20 international