શ્રીસાન્ત-ચવાણ પરનો આજીવન પ્રતિબંધ નહીં હટાવે ક્રિકેટ બોર્ડ

30 July, 2015 01:04 AM IST  | 

શ્રીસાન્ત-ચવાણ પરનો આજીવન પ્રતિબંધ નહીં હટાવે ક્રિકેટ બોર્ડ




ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈ કાલે સ્પષ્ટતા કરી હતી કે IPL ૨૦૧૩માં સ્પૉટ-ફિક્સિંગના આરોપમાંથી દોષમુક્ત થવા છતાં ફાસ્ટ બોલર એસ. શ્રીસાન્ત અને સ્પિનર અંકિત ચવાણ પરનો આજીવન પ્રતિબંધ હટાવવાના મામલે પુન:વિચાર કરવામાં નહીં આવે. શ્રીસાન્ત, ચવાણ અને અજિત ચંડીલા સહિત ૩૬ આરોપીઓને ગયા શનિવારે દિલ્હીની કોર્ટે સ્પૉટ-ફિક્સિંગના મામલે દોષમુક્ત જાહેર કર્યા હતા. ત્યાર બાદ કેરળ ક્રિકેટ અસોસિએશને ક્રિકેટ બોર્ડને શ્રીસાન્ત પરથી પ્રતિબંધ હટાવી લેવા માટે વિનંતી કરી હતી, પરંતુ ક્રિકેટ બોર્ડના સેક્રેટરી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે બન્ને ક્રિકેટરો પર મૂકવામાં આવેલા આજીવન પ્રતિબંધ પર પુન:વિચાર કરવામાં નહીં આવે. બોર્ડની અનુશાસન સમિતિ દ્વારા મૂકવામાં આવેલો પ્રતિબંધ યથાવત્ રહેશે. તેમની સામે અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી, જે ભ્રષ્ટાચારવિરોધી યુનિટના રિપોર્ટના આધારે હતી. એથી તેમના પર મૂકવામાં આવેલો પ્રતિબંધ યથાવત્ રહેશે. દરમ્યાન શ્રીસાન્તે મંગળવારે કહ્યું હતું કે ‘જો ક્રિકેટ બોર્ડ પ્રતિબંધ નહીં હટાવે તો હું એની વિરુદ્ધ કોર્ટમાં નહીં જાઉં. હું રાહ જોઈશ.’

પ્રતિબંધ હટાવવા અંકિત ચવાણે લખ્યો મુંબઈ ક્રિકેટ અસોસિએશનને પત્ર


સ્પૉટ-ફિક્સિંગ મામલે દોષમુક્ત જાહેર થયા બાદ ક્રિકેટર અંકિત ચવાણે મુંબઈ ક્રિકેટ અસોસિએશનને પોતાના પર મૂકવામાં આવેલા આજીવન પ્રતિબંધને હટાવી લેવા માટે પત્ર લખ્યો છે. અસોસિએશને આ મામલે બીજી ઑગસ્ટે થનારી મૅનેજિંગ કમિટીમાં ઉઠાવવાનો નિર્ણય લીધો છે.

મુંબઈ ક્રિકેટ અસોસિએશનના જૉઇન્ટ સેક્રેટરી પી. વી. શેટ્ટીએ કહ્યું હતું કે ‘અમારી પાસે ફરીથી રમવા માટે ચવાણનો પત્ર આવ્યો છે. રવિવારે થનારી મીટિંગમાં અમે આ મુદ્દાને અમારા અધ્યક્ષ શરદ પવાર સામે મૂકીશું. મૅનેજિંગ કમિટી ભલે કોઈ પણ નિર્ણય લે જોકે અંતિમ નિર્ણય તો ક્રિકેટ બોર્ડ જ લેશે. અમે નક્કી કર્યું છે કે અમારો નિર્ણય અને ચવાણના પત્રને અમે ક્રિકેટ બોર્ડ સમક્ષ મૂકીશું. બોર્ડ જે પણ નિર્ણય લેશે એનું અમે પાલન કરીશું.’