જયવર્દને-મૅથ્યુઝના પ્રતિબંધ ટાળવા શ્રીલંકાએ સંગકારાને બનાવ્યો કૅપ્ટન

03 October, 2012 05:59 AM IST  | 

જયવર્દને-મૅથ્યુઝના પ્રતિબંધ ટાળવા શ્રીલંકાએ સંગકારાને બનાવ્યો કૅપ્ટન



પલ્લેકેલ: યજમાન શ્રીલંકાએ T20 વર્લ્ડ કપમાં સોમવારે ઇંગ્લૅન્ડને સુપર એઇટ્સની મૅચમાં હરાવવા કેટલીક તરકીબો અજમાવી હતી અને એમાં સફળતા મેળવી હતી. શ્રીલંકનોએ એક યુક્તિ આઇસીસી સામે પણ અજમાવી હતી જે હેમખેમ પાર પડી હતી. જોકે ક્રિકેટજગતની આ સવોર્ચ્ચ સંસ્થા સામેનો આ અખતરો વિવાદાસ્પદ થયો છે અને દિવસો જતાં એમાં નવા વળાંકો જરૂર જોવા મળશે.

ઇંગ્લિશમેનો સામેની આ મૅચમાં મુખ્ય સુકાની માહેલા જયવર્દને અને વાઇસ કૅપ્ટન ઍન્જેલો મૅથ્યુઝ બન્ને રમ્યા હતા, પરંતુ નેતૃત્વ તેમના બદલે કુમાર સંગકારાએ સંભાળ્યું હતું. જયવર્દને કે મૅથ્યુઝના સુકાનમાં ફરી સ્લો ઓવર-રેટનો ભંગ થયો હોત તો તેમને સેમી ફાઇનલમાં ન રમવા મળ્યું હોત એટલે શ્રીલંકન ટીમે એ સ્થિતિ ટાળવા કુમાર સંગકારાને સુકાન સોંપી દીધું હતું. આવું કરીને શ્રીલંકાએ આઇસીસીના કૅપ્ટન નીમવા વિશેના નિયમમાં રહેલી છટકબારીનો ફાયદો ઉઠાવ્યો હતો.

ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ સામે શ્રીલંકાએ ૧૯ રનથી વિજય મેળવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કયોર્ હતો અને ઇંગ્લૅન્ડ સ્પર્ધાની બહાર થઈ ગયું હતું. જયવર્દનેના ૪૨ રન શ્રીલંકન ટીમમાં સૌથી વધુ હતા.

આઇસીસી નિયમ બદલે તો સારું : માહેલા


સોમવારે ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં કૅપ્ટન બદલવા પાછળ ખુદ જયવર્દનેએ પત્રકારોને કારણ આપ્યું હતું જે તેના જ શબ્દોમાં જાણીએ:

મારી કૅપ્ટન્સીમાં રમાયેલી આગલી મૅચમાં સ્લો ઓવર-રેટના નિયમનો ભંગ થઈ ગયો હોવાથી જો ઇંગ્લૅન્ડ સામેની આ મૅચમાં પણ મારા સુકાનમાં નર્ધિરિત સમયમાં ૨૦ ઓવરો પૂરી ન થઈ હોત તો મારા પર એક મૅચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોત અને હું સેમી ફાઇનલમાં ન રમી શક્યો હોત. મારે એ બૅન ટાળવો હતો એટલે મેં કૅપ્ટન્સી નહોતી સંભાળી.

વાઇસ કૅપ્ટન ઍન્જેલો મૅથ્યુઝે જૂનમાં હમ્બનટોટામાં પાકિસ્તાન સામેની T20માં સુકાન સંભાળ્યું હતું અને એમાં તે નર્ધિરિત સમયમાં ૨૦ ઓવર પૂરી નહોતો કરાવી શક્યો. જો ફરી ઇંગ્લૅન્ડ સામે તેના સુકાનમાં એવું બન્યું હોત તો તે પણ એક મૅચના પ્રતિબંધના કારણે સેમીમાં ન રમવા મળત. અમારે એ સ્થિતિ પણ ટાળવી હતી એટલે તેના બદલે ત્રીજા જ કોઈને કૅપ્ટન બનાવવાનું નક્કી કર્યું હતું અને એ માટે સંગકારા અમને એકદમ યોગ્ય લાગ્યો હતો.

અમારી ટીમે ઇંગ્લૅન્ડ સામેની મૅચ માટે સંગકારાને કૅપ્ટન બનાવ્યો એ પાછળનો અમારો ઇરાદો જરાય ખોટો નહોતો. મારે અને મૅથ્યુઝે સેમી ફાઇનલ ગુમાવવી પડે એ અમને પરવડે એમ નહોતું. એક કલાક અને વીસ મિનિટમાં ૨૦ ઓવર પૂરી કરાવવી બહુ મુશ્કેલ કામ છે. એક મૅચમાં સ્લો ઓવર-રેટનો ભંગ થાય અને ત્યાર પછી ૧૨ મહિનામાં જો એ ભંગનું પુનરાવર્તન થાય તો કૅપ્ટન પર એક મૅચનો પ્રતિબંધ મૂકવામાં આવે છે. આઇસીસીએ આ આકરા નિયમમાં ફેરફાર કરવાની જરૂર છે.

અમે કૅપ્ટન બદલ્યો એ પહેલાં અમારા ટીમ-મૅનેજર ચરિથ સેનાનાયકેએ આઇસીસીના અધિકારીઓનો સંપર્ક કયોર્ હતો અને આવું કરીને અમે કોઈ નિયમનો ભંગ નહીં કરીએને એની ચોકસાઈ કરી હતી. ત્યાર પછી જ અમે સંગકારાને કૅપ્ટન બનાવવાનો નિર્ણય લીધો હતો.

મોટા ભાગના નિર્ણયો માહેલાએ જ લીધા


સોમવારે ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં કૅપ્ટન સંગકારા હતો, પરંતુ મોટા ભાગના નિર્ણયો જયવર્દનેએ જ લીધા હતા. બૅટિંગ-ઑર્ડર જયવર્દનેએ નક્કી કયોર્ હતો અને ફીલ્ડિંગ ગોઠવવાનું કામ પણ તે જ કરતો હતો. બોલિંગના ફેરફારો પણ તેણે જ કર્યા હતા.

આઇસીસી = ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ