બીજી પ્રૅક્ટિસ-મૅચમાં મુંબઈ ‘એ’ સામે ઇંગ્લૅન્ડ ૬ વિકેટે ૩૩૮

03 November, 2012 10:15 PM IST  | 

બીજી પ્રૅક્ટિસ-મૅચમાં મુંબઈ ‘એ’ સામે ઇંગ્લૅન્ડ ૬ વિકેટે ૩૩૮

મુંબઈ :

તક ઝડપી લેતો બેરસ્ટો

મુંબઈ ‘એ’ના સાધારણ બોલિંગ-અટૅક સામે સ્ટાઇલિશ મિડલ ઑર્ડર બૅટ્સમૅન જૉની બેરસ્ટોએ મળેલી તકનો ભરપૂર લાભ ઉઠાવીને ભારતની ધરતી પર પહેલી સદી ફટકારી હતી અને પહેલી ટેસ્ટ માટેનો દાવો મજબૂત કર્યો હતો. બેરસ્ટોએ ૧૭૭ બૉલમાં ૧૪ ફોર સાથે ૧૧૮ રન બનાવ્યા હતા. બેરસ્ટો ઉપરાંત ઓઇન મૉર્ગન ૭૬ અને પહેલી મૅચ બાદ ફરી કમાલ કરતા સમીત પટેલના અણનમ ૫૯ રન ગઈ કાલના દિવસનાં મુખ્ય આકર્ષણ હતાં.

ક્રૉમ્પટન, બેલ ફરી ફ્લૉપ

પહેલી મૅચ બાદ ગઈ કાલે ફરી ઓપનર નિક ક્રૉમ્પ્ટન (૧ રન) અને ઇયાન બેલ (૪) નિષ્ફળ રહ્યા હતા, જ્યારે જો રુટ અને જૉનાથન ટ્રોટ બન્ને ૨૮ રન બનાવીને મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ ગયા હતા અને ઇંગ્લૅન્ડે એક સમયે ૬૬ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી. મુંબઈ ‘એ’ વતી મિડિયમ પેસર જાવેદ ખાન અને ક્ષેમલ વાયંગણકરે બે-બે વિકેટ લીધી હતી. જ્યારે શાદુર્લ ઠાકુર અને કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ૧-૧ વિકેટ લીધી હતી.

પિતાના મુત્યુ છતાં રમીને બે વિકેટ લીધી

મૅચની આગલી રાત્રે પિતાના થયેલા મૃત્યુ છતાં મૅચમાં રમીને મુંબઈ ‘એ’ના મિડિયમ પેસબોલર જાવેદ ખાને ટ્રોટ અને સેન્ચુરિયન બેરસ્ટોની વિકેટ લઈને મૃત પિતાને અંજલિ આપી હતી.

પેસબોલર મિકરને તેડું

પેસબોલર સ્ટીવન ફિન પહેલી મૅચમાં ઇન્જર્ડ થતાં ઇંગ્લૅન્ડે સ્ટુઅર્ટ મિકરને તાબડતોબ બોલાવી લીધો હતો અને પહેલી ટેસ્ટ પહેલાંની ત્રીજી અને છેલ્લી વૉર્મ-અપ મૅચમાં કદાચ તે રમશે.