05 August, 2026 05:41 PM IST | Trinidad | Gujarati Mid-day Correspondent
બાબર આઝમ
વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ-સિરીઝથી કૅપ્ટન તરીકે વાપસી કરનાર બાબર આઝમે મોટી સિદ્ધિ મેળવી છે. ટેસ્ટ-ક્રિકેટમાં હાઇએસ્ટ ઍવરેજથી રન બનાવવાનો પાકિસ્તાની કૅપ્ટન તરીકેનો રેકૉર્ડ બાબર આઝમે પોતાના નામે કર્યો છે. કૅપ્ટન તરીકે બાબર આઝમે ૫૩.૭૭ની હાઇએસ્ટ ઍવરેજથી ૩૮ ઇનિંગ્સમાં ૧૮૮૩ રન કર્યા છે. અગાઉ કૅપ્ટન સલીમ મલિકે ૨૧ ઇનિંગ્સમાં ૫૨.૩૫ની ઍવરેજથી ૧૦૪૭ રન કર્યા હતા. ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ઇમરાન ખાને ૬૪ ઇનિંગ્સમાં ૫૨.૩૪ની ઍવરેજથી સૌથી વધુ ૨૪૦૮ રન કર્યા હતા.
વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટ-મૅચના બીજા દિવસના અંતે પાકિસ્તાન ૭૮ રન પાછળ હતું. કૅરિબિયન ટીમે પહેલી ઇનિંગ્સમાં ૧૦૫.૪ ઓવરમાં ૩૪૪-૧૦નો સ્કોર કર્યો હતો. જસ્ટિન ગ્રીવ્સે ૭૩ રન અને કૅપ્ટન રૉસ્ટન ચેઝે ૭૦ રનનું યોગદાન આપ્યું હતું. બીજા દિવસની રમતના અંતે પાકિસ્તાને ૬૬ ઓવરમાં ૨૬૬/૨નો સ્કોર કર્યો હતો. ઓપનર અઝાન ઓવૈસે ૭૧ બૉલમાં પંચાવન રન કર્યા હતા. ત્રીજા ક્રમે રમવા ઊતરેલો અબ્દુલ્લા શફીક ૧૮૫ બૉલમાં ૧૦૭ રન કરીને અણનમ રહ્યો હતો. ચોથા ક્રમે ઊતરીને કૅપ્ટન બાબર આઝમ ૧૨૬ બૉલમાં ૮૬ રન કરીને ક્રિઝ પર અંત સુધી રહ્યો હતો.