09 February, 2026 10:47 AM IST | Harare | Gujarati Mid-day Correspondent
ઝિમ્બાબ્વેમાં પ્રાણીઓ સાથે ભારતના અન્ડર-19 વર્લ્ડ કપ વિજેતા આયુષ મ્હાત્રેનું અનોખું ફોટોશૂટ
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા ગઈ કાલે અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ 2026ના વિજેતા ભારતીય કૅપ્ટન આયુષ મ્હાત્રેનો સ્પેશ્યલ ફોટોશૂટ શૅર કરવામાં આવ્યો હતો. વાઇલ્ડ લાઇફ માટે જાણીતા ટુર્નામેન્ટના યજમાન ઝિમ્બાબ્વેની એક ચૅરિટી સંસ્થા વાઇલ્ડ ઇઝ લાઇફમાં હાથી અને જિરાફ સાથે એક ફોટોશૂટનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુંબઈકર આયુષ મ્હાત્રે અન્ડર-19 વર્લ્ડ કપ ટ્રોફી સાથે જિરાફ અને હાથી સાથે ફોટો પડાવતો જોવા મળ્યો હતો. તેણે ટ્રોફીના કપ જેવા ભાગમાં પ્રાણીઓ માટે અનુકૂળ નાસ્તો મૂકીને જિરાફને ખવડાવ્યું પણ હતું. આ અનોખા ટ્રોફી ફોટોશૂટે સોશ્યલ મીડિયા પર સૌનું ધ્યાન ખેંચ્યુ હતું.
અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ 2026ના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ICCએ ટીમ ઑફ ધ ટુર્નામેન્ટની જાહેરાત કરી હતી. ૧૨ સભ્યોની આ ટીમમાં ભારત તરફથી પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ એવા સ્ટાર બૅટર વૈભવ સૂર્યવંશી, બોલિંગ ઑલરાઉન્ડર કનિષ્ક ચૌહાણ અને વલસાડના ફાસ્ટ બોલર હેનિલ પટેલની પસંદગી કરવામાં આવી હતી. ઇંગ્લૅન્ડના ૩ પ્લેયર્સ તેમ જ અફઘાનિસ્તાન, ઑસ્ટ્રેલિયા, શ્રીલંકા, પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝના એક-એક પ્લેયરને આ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. ઇંગ્લૅન્ડના સુકાની થોમસ રેવને કૅપ્ટન અને વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.