ઓસ્ટ્રેલિયન ક્રિકેટરને માથામાં બોલ વાગતા સ્થિતિ ગંભીર

25 November, 2014 09:47 AM IST  | 

ઓસ્ટ્રેલિયન ક્રિકેટરને માથામાં બોલ વાગતા સ્થિતિ ગંભીર



સિડની : તા. 25 નવેમ્બર


ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ફિલ હ્યૂઝને શેડીલ્ડ શીલ્ડ અને ન્યૂ શાઉથવેલ્સ વચ્ચે રમાઈ રહેલી મેચ દરમિયાન એક ઝંઝાવાતી બાઉન્સર બોલ માથાના ભાગે વાગતા ગંભીર ઈજા પહોંચી હતી. હ્યૂઝને તત્કાળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. છતાં પણ હ્યૂઝની તબિયત નાજુક હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

હ્યૂઝને થયેલી ગંભીર ઈજા બાદ મેચ પણ બંધ રાખવામાં આવી હતી. સ્ટેડિયમમાં સોપો પડી ગયો હતો.

હ્યૂઝ આજે 63 રન બનાવી રમી રહ્યો હતો ત્યારે ફાસ્ટ બોલર સીન એબોટના એક બાઉન્સર બોલને હૂક કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં ચૂક થઈ હતાં બોલ હ્યૂઝના હેલમેટ પર જઈને અથડાયો હતો. બોલ માથાના ભાગે વાગ્યા બાદ હ્યૂઝ થોડીવાર અસ્વસ્થ્ય જણાયો હતો. તમ્મર આવી જતા તે ઘુંટણથી નીચે ઝુકી ગયો હતો પરંતુ થોડી જ સેકંડમાં તે બેભાન થઈ પીચ પર જ ફસડાઈ પડ્યો હતો.

તત્કાલ સ્ટેચરની મદદથી તેને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. એમ્બ્યુલન્સ મારફતે હ્યૂઝને સિડનીની સેંટ વિંસેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સ્થાનીય સમયાનુસાર સાંજે લગભગ 5:20 વાગ્યે હોસ્પિટલ તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે હ્યૂઝનું ઓપરેશન પૂર્ણ થયું છે પરંતુ તેની સ્થિતિ ગંભીર છે. તેને આઈસીયૂમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે.

હ્યૂઝને ઈજા પહોંચ્યા બાદ રમત ત્યાં જ અટકાવી દેવામાં આવી હતી. ઘટનાને લઈને મેદાનમાં સોપો પડી ગયો હતો. એસએસીએ સીઈઓ કીથ બ્રાડશાએ જણાવ્યું હતું કે આ ઘટનાને લઈને હું ખુબ જ દુ:ખી છું અને આઘાતની લાગણી અનુંભવુ છું. આગામી 24-28 કલાક બાદ હ્યૂજની સ્થિતિનું અનુમાન લગાવી શકાશે તેમ તેમણે કહ્યું હતું.

મિડલ ઓર્ડર બેટ્સમેન ફિલિપ હ્યૂઝ ઓસ્ટ્રેલિયા તરફથી ભારત સામે ઘરઆંગણે શરૂ થવા જઈ રહેલી ટેસ્ટ મેચમાં રમશે તેમ માનવામાં આવતું હતું. ઈજાગ્રસ્ત માઈકલ ક્લાર્કના સ્થાને તેને ટીમમાં સ્થાન આપવાનું હતું. પરંતુ હ્યૂઝની ઈજાથી ઓસ્ટ્રેલિયન ક્રિકેટને પણ ભારે ફટકો પહોંચ્યો હતો.