ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમે કરી પુરુષ ટીમના વર્લ્ડ રેકૉર્ડની બરાબરી

08 October, 2020 02:28 PM IST  |  Brisbane | IANS

ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમે કરી પુરુષ ટીમના વર્લ્ડ રેકૉર્ડની બરાબરી

ફાઇલ તસવીર

ઑસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમે ગઈ કાલે ઑસ્ટ્રેલિયાની પુરુષ ક્રિકેટ ટીમે સતત ૨૧ વન-ડે જીતીને રચેલા ઇતિહાસની બરોબરી કરી લીધી છે. ૨૦૦૩માં રિકી પૉન્ટિંગે સતત ૨૧ વન-ડે જીતવાનું પરાક્રમ કર્યું હતું જેમાં વર્લ્ડ કપની મૅચોનો પણ સમાવેશ હતો. ઑસ્ટ્રેલિયન મહિલા ટીમ ૨૯ ઑક્ટોબર ૨૦૧૭ના રોજ ઇંગ્લૅન્ડ સામે વન-ડેમાં હાર્યા બાદ ૩ વર્ષમાં અેક પણ વન-ડે હારી નથી.
મહિલા ઑસ્ટ્રેલિયન ટીમે ન્યુ ઝીલૅન્ડને ત્રીજી અને અંતિમ વન-ડેમાં ૨૩૨ રનના તોતિંગ માર્જિનથી માત આપીને સિરીઝ પણ ૩-૦થી જીતી લીધી હતી. અનુભવી ખેલાડીઓ કૅપ્ટન મેગ લેનિંગ અને ઍલિસ પેરીની ગેરહાજરી છતાં ટીમ જીત મેળવવામાં સફળ રહી હતી. પહેલાં બૅટિંગ કરતાં કાંગારૂ ટીમે પાંચ વિકેટે ૩૨૫ બનાવ્યા હતા. ન્યુ ઝીલૅન્ડની ટીમે શરૂઆતની ૧૫ ઓવરમાં જ ચાર વિકેટ ગુમાવી દીધી હતી અને ૨૭ ઓવરમાં તેમની આખી ટીમ ૯૩ રનના સ્કોરે પૅવિલિયનભેગી થઈ ગઈ હતી. ઑસ્ટ્રેલિયન ટીમે ટી૨૦ સિરીઝ પણ ૨-૧થી જીતી લીધી હતી.

cricket news sports news