ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની વન-ડે ટીમ જાહેર, મેક્સવેલને ડ્રોપ કરાયો

17 December, 2019 05:07 PM IST  |  Mumbai

ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની વન-ડે ટીમ જાહેર, મેક્સવેલને ડ્રોપ કરાયો

એરોન ફિન્ચ અને વિરાટ કોહલી

ભારતીય ટીમ હાલ ઘર આંગણે વેસ્ટ ઇન્ડિઝ સામે વન-ડે સીરિઝમાં વ્યસ્ત છે. ત્યારે ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ સીરિઝ રમી રહેલ ઓસ્ટ્રેલિયાની ટીમ અત્યારથી ભારતના પ્રવાસ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મંગળવારે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની ત્રણ વન-ડે માટે ટીમ જાહેર કરી દીધી છે. ઓસ્ટ્રેલિયાની આ ટીમમાં માર્નસ લબુચાનને પહેલીવાર તક આપવામાં આવી છે. જ્યારે ગ્લેન મેક્સવેલ અને સ્ટોઇનિસને ડ્રોપ કરવામાં આવ્યો છે.

એરોન ફિન્ચ ટીમની કમાન સંભાળશે
ભારત પ્રવાસ દરમ્યાન ઓસ્ટ્રેલિયાની વન-ડે ટીમની કમાન એરોન ફિન્ચ આપવામાં આવી છે. મહત્વનું છે કે વર્લ્ડ કપ 2019 બાદ ઓસ્ટ્રેલિયા ટીમ પહેલીવાર વન-ડે સીરિઝ રમશે. ટીમના નિયમિત કોચ જસ્ટિન લેન્ગર હાલ રજા પર હોવવાથી પૂર્વ ક્રિકેટર એન્ડ્રુ મેકડોનલ્ડ કોચ તરીકે ફરજ બજાવશે.

ઓસ્ટ્રેલિયા ભારતમાં 3 વન-ડે મેચ રમશે
ઓસ્ટ્રેલિયા પોતાના ભારત પ્રવાસ દરમ્યાન ત્રણ વન-ડે મેચ રમશે. જે 14, 17 અને 19 જાન્યુઆરીના રોજ અનુક્રમે મુંબઇ, રાજકોટ અને બેંગ્લોર શહેરમાં રમાશે. ગ્લેન મેક્સવેલ અને સ્ટોઈનિસનો વર્લ્ડ કપ નિરાશાજનક રહ્યો હતો. 31 વર્ષીય મેક્સવેલે વર્લ્ડ કપમાં 22.12ની એવરેજથી રન કર્યા હતા, જયારે સ્ટોઈનિસે 14.50ની એવરેજથી રન કર્યા હતા. તેના લીધે બંનેએ ટીમમાં પોતાનું સ્થાન ગુમાવ્યું છે. તેમની જગ્યાએ એશ્ટન ટર્નર અને માર્નસ લબુચાને મિડલ ઓર્ડર સંભાળશે. લબુચાનેએ પોતાની અંતિમ ત્રણ ટેસ્ટ ઇનિંગ્સમાં સદી ફટકારી છે અને તેમજ ડોમેસ્ટિક વનડેમાં 60ની એવરેજથી બુલ્સ માટે રન કર્યા હતા. ટીમને તેની પ્રતિભા પર ભરોસો છે.

આ પણ જુઓ : 'માહી'ના દિકરી ઝીવા સાથેના આ ફોટોસ બનાવી દેશે તમારો દિવસ

જાણો ટ્રેવરે શું કહ્યું
બીજી તરફ ટર્નરે આ વર્ષે ભારત સામે 43 બોલમાં 84 રન કર્યા હતા અને તે પ્રદર્શનના આધારે તેની પસંદગી થઇ છે. ઓસ્ટ્રેલિયાના ચીફ સિલેક્ટર ટ્રેવર હોંસે કહ્યું હતું કે, અમારું માનવું છે કે લબુચાને વ્હાઇટ બોલમાં ડેબ્યુ કરવા તૈયાર છે અને તેનું શાનદાર ફોર્મ જોતા તેની પસંદગી કરવામાં આવી છે. ટ્રેવરે વધુ ઉમેરતા કહ્યું કે, ' મેક્સવેલ બિગ બેશથી વાપસી કરી રહ્યો છે તે જોઈને આનંદ થયો છે. વનડેમાં છેલ્લા 12 મહિના તેના માટે નિરાશાજનક રહ્યા હતા. અમે બિગ બેશમાં તેના ફોર્મને મોનિટર કરીશું. અમે આ સીરિઝને આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનાર T-20 વર્લ્ડ કપ અને 2023ના ભારતના વર્લ્ડ કપની તૈયારી તરીકે જોઈ રહ્યા છીએ.

આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ:
આરોન ફિન્ચ (સુકાની), ડેવિડ વોર્નર, પેટ કમિન્સ, સ્ટીવ સ્મિથ, સીન એબોટ, માર્નસ લબુચાને, એશ્ટન અગર, પીટર હેન્ડ્સકોમ્બ, જોશ હેઝલવુડ, એલેક્સ કેરી, એશ્ટન ટર્નર, મિચેલ સ્ટાર્ક, એડમ ઝામ્પા અને કેન રિચાર્ડસન.

cricket news australia team india virat kohli board of control for cricket in india