પાકિસ્તાને ૧૦ વર્ષ બાદ કાંગારૂઓ સામે સિરીઝ જીતવાની તક ગુમાવી

05 September, 2012 05:19 AM IST  | 

પાકિસ્તાને ૧૦ વર્ષ બાદ કાંગારૂઓ સામે સિરીઝ જીતવાની તક ગુમાવી

શારજાહ: ૧-૧ની બરોબરી બાદ સોમવારે શારજાહમાં રમાયેલી સિરીઝની ત્રીજી વન-ડેમાં ઑસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને ૩ વિકેટે હરાવીને સિરીઝ ૨-૧થી જીતી લીધી હતી. ૧૨૯ રનની સૉલિડ પાર્ટનરશિપ બાદ પાકિસ્તાન ટીમના મિડલ ઑર્ડર બૅટ્સમેન ખાસ કોઈ કમાલ ન કરી શકતાં ઑસ્ટ્રેલિયા સામે ૧૦ વર્ષ પછી વન-ડે સિરીઝ જીતવાની તક ગુમાવી દીધી હતી. એક સમયે સંકટમાં આવી ગયેલા ઑસ્ટ્રેલિયનોને વિજયના દ્વાર સુધી પહોંચાડનાર માઇક હસીને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે સ્પિનરોને અનુકૂળ એવી પિચો પર ત્રણ મૅચમાં ૯ વિકેટ લેવા બદલ ઑસ્ટ્રેલિયાના પેસબોલર મિચલ સ્ટાર્કને પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.

સૉલિડ ઑપનિંગ

પાકિસ્તાનના ઓપનરો મોહમ્મદ હાફિઝ (૯૭ બૉલમાં બે સિક્સર અને ચાર ફોર સાથે ૭૮) અને નાસિર જમશેદે (૭૫ બૉલમાં છ ફોર સાથે ૪૮) ૨૬.૩ ઓવરમાં ૧૨૯ રનની પાર્ટનરશિપ સાથે ટીમને સૉલિડ શરૂઆત કરાવી આપી હતી. પાકિસ્તાન ૩૦૦ કરતાં વધુ ટાર્ગેટ આપશે એવું લાગી રહ્યું હતું; પણ જમશેદ, શાહિદ આફ્રિદી (૭ રન) અને હાફિઝ ચાર ઓવરના ગાળામાં આઉટ થઈ જતાં સ્કોરને બ્રેક લાગી ગઈ હતી. ઉમર અકમલ ખાતું ખોલાવી નહોતો શક્યો. કૅપ્ટન મિસ્ાબાહ-ઉલ-હકના ૨૫, અસદ શફિકના ૨૭ અને અઝહર અલીના અણનમ ૨૭ રનને લીધે પાકિસ્તાન ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૨૪૪ રન જ બનાવી શક્યું હતું. આ જ મેદાનમાં પહેલી મૅચમાં ૪૨ રનમાં પાંચ વિકેટ લેનાર મિચલ સ્ટાર્કે ફરી ૫૧ રનમાં ૪ વિકેટ લઈને પાકિસ્તાનનો સ્કોર ૨૫૦ સુધી સીમિત રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. મિચલ જૉન્સને પણ ૩૩ રનમાં બે વિકેટ લીધી હતી.

હસીબ્રધર્સ-મૅક્સવેલ ચમક્યા

ઑસ્ટ્રેલિયા ૧૦૮ રનમાં ચાર વિકેટ ગુમાવતાં સંકટમાં મુકાઈ ગયું હતું, પણ માઇક હસી એક છેડો સાચવીને ટીમને જીત સુધી લઈ ગયો હતો. હસી ૭૨ બૉલમાં એક સિક્સર અને સાત ફોર સાથે ૬૫ રન બનાવીને આઉટ થયો ત્યારે ટીમને ૩૩ બૉલમાં જીતવા માટે ફક્ત ૧૯ રન બનાવવાના બાકી હતા. કરીઅરની ચોથી વન-ડે રમી રહેલા ગ્લેન મૅક્સવેલે ૩૮ બૉલમાં ત્રણ સિક્સર અને ૪ ફોર સાથે અણનમ ૫૬ રન બનાવ્યા હતા અને હસીની મહેનતને પાણીમાં નહોતી જવા દીધી. ૪૭મી ઓવરના છેલ્લા બૉલમાં તેણે સિક્સર ફટકારીને ટીમને મૅચ અને સિરીઝ જિતાડી આપી હતી. પાકિસ્તાનના સ્પિનર સઈદ અમજલે ફરી કાંગારૂઓને બરાબરના મૂંઝવ્યા હતા અને ૯ ઓવરમાં એક મેઇડન સાથે ૩૭ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.

હસી શૂન્ય પર જ આઉટ હતો

હસીએ હજી ખાતું પણ ખોલાવ્યું નહોતું ત્યારે અજમલના એક બૉલમાં એલબીડબ્લ્યુની જોરદાર અપીલ થઈ હતી, પણ અમ્પાયરે નૉટ-આઉટ આપ્યો હતો. પાકિસ્તાને રિવ્યુ નહોતો માગ્યો, પણ રીપ્લે પરથી હસી સ્પષ્ટ આઉટ હોવાનું જણાઈ રહ્યું હતું. પાકિસ્તાની ટીમને આ ભૂલ ભારે પડી હતી અને હસી આખરે ૬૫ રનની વિનિંગ ઇનિંગ્સ રમીને ટીમને જિતાડી ગયો હતો.