પાકિસ્તાનના આક્રમણ સામે લબુશેન અને હેડની જોડીએ ધબડકો અટકાવ્યો

27 December, 2023 08:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજી ટેસ્ટના પ્રથમ દિવસે વરસાદને લીધે ફક્ત ૬૬ ઓવર રમાઈ : ઑસ્ટ્રેલિયાના ત્રણ વિકેટે ૧૮૭

માર્નસ લબુશેને ગઈ કાલે મેલબર્નના મેદાન પર એક ક્ષણે ઓચિંતા આવેલા કબૂતરનો સામનો કરવો પડ્યો હતો.

ઑસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામેની ત્રણ ટેસ્ટની સિરીઝમાં ૧-૦ની સરસાઈ મેળવ્યા બાદ ગઈ કાલે મેલબર્નની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે વરસાદના વિઘ્ન વચ્ચે શક્ય બનેલી માત્ર ૬૬ ઓવરની રમતમાં ત્રણ વિકેટે ૧૮૭ રન બનાવ્યા હતા. છેલ્લી ટેસ્ટ-સિરીઝ રમી રહેલા ડેવિડ વૉર્નર (૮૩ બૉલમાં ૩૮ રન) અને ગાઝા પટ્ટીમાં યુદ્ધથી પરેશાન લોકોની તરફેણ કરતા રહીને આઇસીસી સાથેના વિવાદોમાં ઊતરી પડેલા બીજા ઓપનર ઉસ્માન ખ્વાજા (૧૦૧ બૉલમાં ૪૨ રન) વચ્ચે ૯૦ રનની મજબૂત ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી, પરંતુ ૯૦ રનના કુલ સ્કોરે આગા સલમાનના બૉલમાં વૉર્નર કૅચઆઉટ થયા બાદ ૧૦૮મા રને ખ્વાજાએ હસન અલીના બૉલ પર સલમાનને કૅચ આપી દીધો હતો અને ૧૫૪ રનના સ્કોર પર અનુભવી બૅટર સ્ટીવ સ્મિથ (૭૫ બૉલમાં ૨૬ રન) પણ આઉટ થઈ જતાં ઑસ્ટ્રેલિયા મુસીબતમાં મુકાઈ ગયું હતું.

62,167
મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગઈ કાલે આટલા પ્રેક્ષકો ઘણી આશા સાથે પૂરી રમત જોવા આવ્યા હતા, પરંતુ લગભગ ત્રણેક કલાકની રમત ધોવાઈ ગઈ હતી.

જોકે માર્નસ લબુશેન (૧૨૦ બૉલમાં ૪૪ નૉટઆઉટ) અને ટેસ્ટના વર્લ્ડ કપ તથા વન-ડેના વર્લ્ડ કપના હીરો ટ્રેવિસ હેડ (૧૯ બૉલમાં ૯ રન)ની જોડીએ ૩૩ રનની ભાગીદારી સાથે વધુ ધબડકો અટકાવ્યો હતો. ઑસ્ટ્રેલિયાએ પર્થમાં ૩૬૦ રને જીતેલી પ્રથમ ટેસ્ટની જ ટીમ જાળવી રાખી હતી, જ્યારે પાકિસ્તાને ત્રણ ફેરફાર કર્યા હતા. વિકેટકીપર સરફરાઝ અહમદના સ્થાને મોહમ્મદ રિઝવાનને લીધો હતો, જ્યારે ઈજાગ્રસ્ત ખુર્રમ શહઝાદ નહોતો રમ્યો અને પેસર ફહીમ અશરફને નહોતો લેવામાં આવ્યો અને તેમના સ્થાને હસન અલી તથા મીર હમઝાએ ટીમમાં કમબૅક કર્યું હતું.

2
ડેવિડ વૉર્નર ફક્ત આટલા રન પર હતો ત્યારે શાહીન આફ્રિદીના બૉલમાં અબદુલ્લા શફીકે તેનો આસાન કૅચ છોડ્યો હતો.

હવે ઉસ્માન ખ્વાજાના શૂઝ પર બન્ને પુત્રીનાં નામ

ઑસ્ટ્રેલિયાના વિવાદાસ્પદ ઓપનર ઉસ્માન ખ્વાજાએ ગઈ કાલે જે શૂઝ (ઉપર) પહેર્યાં હતાં એના પર તેની બન્ને પુત્રી અઇશા અને આયલાનાં નામ વાંચવા મળ્યાં હતાં. મુસ્લિમ ખેલાડી ખ્વાજા ઇઝરાયલ સાથેના યુદ્ધમાં અસરગ્રસ્ત ગાઝા પટ્ટીના લોકોની તરફેણ કરીને આઇસીસી સાથે સંઘર્ષમાં ઊતર્યો હતો અને આઇસીસી બેવડું ધોરણ અપનાવી રહી હોવાનું મીડિયામાં તેણે કહ્યું હતું. તેણે પોતાના બૅટ અને શૂઝ પર શાંતિના દૂત કબૂતરનું સ્ટિકર લગાવડાવીને પ્રૅક્ટિસ કરી હતી, પરંતુ આઇસીસીએ તેને મૅચમાં એ લોગો વાપરવાની સખત મનાઈ કરી હતી. એ પહેલાં, ખ્વાજાએ ‘આઝાદી તો માનવનો અધિકાર છે’ અને ‘તમામ જીવો એકસમાન છે’ એવા સ્લોગનવાળાં શૂઝ પહેરીને મૅચમાં રમવાની તૈયારી કરી હતી, પરંતુ આઇસીસીએ ત્યારે પણ તેને‍ રોક્યો હતો.  એ.એફ.પી.

સ્ટીવ સ્મિથને રિવ્યુ પહેલાં ફળ્યો અને પછી નડ્યો
ગઈ કાલે ૭૫ બૉલમાં બે ફોરની મદદથી ૨૬ રન બનાવનાર સ્ટીવ સ્મિથ ૧૯ રને હતો ત્યારે શાહીન આફ્રિદીના બૉલમાં એલબીડબ્લ્યુની અપીલમાં અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો. જોકે રિવ્યુમાં બૉલ સ્ટમ્પ્સની ઉપરથી પસાર થઈ શકે એમ હતો એવું જણાતાં થર્ડ અમ્પાયરે તેને નૉટઆઉટ જાહેર કર્યો હતો. આમેર જમાલની ઓવરમાં સ્મિથ ૨૬ રને હતો ત્યારે તેની વિરુદ્ધ કૉટ-બિહાઇન્ડની અપીલ થઈ હતી, પરંતુ અમ્પાયરે નૉટઆઉટ જાહેર કર્યો હતો. જોકે પાકિસ્તાનની ટીમે ડીઆરએસની મદદ લીધી હતી જેમાં સ્મિથના બૅટની જરાક કટ લાગી હોવાનું જણાતાં તેને આઉટ ડિક્લેર કરાયો હતો.

cricket news test cricket australia pakistan melbourne sports news sports