08 February, 2025 07:24 PM IST | Colombo | Gujarati Mid-day Correspondent
ચોથી વિકેટ માટે ૩૩૧ બૉલમાં ૨૩૯ રનની પાર્ટનરશિપ કરી કૅપ્ટન સ્ટીવ સ્મિથ અને વિકેટકીપર ઍલેક્સ કૅરીએ.
શ્રીલંકામાં પહેલી ટેસ્ટ-મૅચ જીતીને સિરીઝમાં ૧-૦થી લીડ મેળવનાર ઑસ્ટ્રેલિયન ટીમે બીજી ટેસ્ટમાં પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. બીજી ટેસ્ટ-મૅચના બીજા દિવસે શ્રીલંકા પહેલી ઇનિંગ્સમાં ૯૭.૪ ઓવરમાં ૨૫૭ પર ઑલઆઉટ થયું હતું. મહેમાન ટીમે પહેલી ઇનિંગ્સની ૮૦ ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન સાથે ૩૩૦ રન ફટકારીને મૅચમાં ૭૩ રનની લીડ મેળવી લીધી હતી.
ઑસ્ટ્રેલિયન ઓપનર ઉસ્માન ખ્વાજાએ ૫૭ બૉલમાં ૩૬ રનની નાની ઇનિંગ્સ રમી હતી, પણ તેણે ટ્રૅવિસ હેડ (બાવીસ બૉલમાં ૨૧ રન) સાથે પહેલી વિકેટ માટે ૪૦ બૉલમાં બત્રીસ રનની અને ત્રીજી વિકેટ માટે કૅપ્ટન સ્ટીવ સ્મિથ (૨૩૯ બૉલમાં ૧૨૦ રન અણનમ) સાથે ૧૦૨ બૉલમાં ૫૪ રનની પાર્ટનરશિપ કરીને ટીમને મજબૂત શરૂઆત કરાવી આપી હતી. ત્યાર બાદ સ્ટીવ સ્મિથે ચોથી વિકેટ માટે વિકેટકીપર બૅટર ઍલેક્સ કૅરી (૧૫૬ બૉલમાં ૧૩૯ રન અણનમ) સાથે ૩૩૧ બૉલમાં ૨૩૯ રનની અતૂટ પાર્ટનરશિપ કરી કાંગારૂ ટીમની શાનદાર લીડ અપાવી હતી.