સાઉથ આફ્રિકાએ લંકાને ૩૨ રનથી હરાવ્યું : ઑસ્ટ્રેલિયાએ કૅરિબિયન ટીમને ૧૭ રનથી આપ્યો પરાજય

23 September, 2012 05:28 AM IST  | 

સાઉથ આફ્રિકાએ લંકાને ૩૨ રનથી હરાવ્યું : ઑસ્ટ્રેલિયાએ કૅરિબિયન ટીમને ૧૭ રનથી આપ્યો પરાજય



હમ્બનટોટા : T20 વર્લ્ડ કપ ૨૦૧૨નો ખરેખરો ગણવામાં આવતો પહેલો એક્સાઇટિંગ દિવસ આખરે વરસાદે ધોઈ નાખ્યો હતો. યજમાન શ્રીલંકા અને સાઉથ આફ્રિકા તથા ઑસ્ટ્રેલિયા અને હૉટ ફેવરિટ વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે જોરદાર ટક્કર ચોવાની લોકોની અપેક્ષા અધૂરી રહી ગઈ હતી. વરસાદને લીધે હમ્બનટોટામાં પહેલી સાત-સાત ઓવરની રમાયેલી મૅચમાં સાઉથ આફ્રિકાએ શ્રીલંકાને ૩૨ રનથી પરાજય આપ્યો હતો, જ્યારે કોલંબોમાં રમાયેલી બીજી મૅચ વરસાદને લીધે પૂરી નહોતી રમાઈ અને આખરે ડકવર્થ ઍન્ડ લુઇસના નિયમ પ્રમાણે ઑસ્ટ્રેલિયાને ૧૭ રને વિજતા જાહેર કરવામાં આવ્યું હતું.

હીરો ડિવિલિયર્સની કૅપ્ટન્સ ઇનિંગ્સ

શ્રીલંકાએ ટૉસ જીતીને સાઉથ આફ્રિકાને પહેલાં બૅટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ઝિમ્બાબ્વે સામેની પહેલી મૅચમાં અણનમ હાફ સેન્ચુરી ફટકારનાર ઓપનર રિચર્ડ લેવી પહેલી ઓવરમાં ચાર બૉલમાં ચાર રન બનાવીને આઉટ થયો હતો. લેવીનો અદ્ભુત કૅચ દિલશાન મુનાવીરાએ પકડ્યો હતો. હાશિમ અમલાએ આઉટ થતાં પહેલાં ૯ બૉલમાં ૩ ફોર સાથે ૧૬ રન બનાવ્યા હતા. જોકે કૅપ્ટન એ. બી. ડિવિલિયર્સે ૧૩ બૉલમાં બે સિક્સર અને એક ફોરની મદદથી બનાવેલા ૩૦ રન મૅચ-વિનિંગ સાબિત થયા હતા. આફ્રિકાએ ૭ ઓવરમાં ૪ વિકેટે ૭૮ રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી લસિથ મલિન્ગા ખર્ચાળ સાબિત થયો હતો. તેણે બે ઓવરમાં ૨૭ રન આપ્યા હતા અને એક વિકેટ લીધી હતી.

લંકાને શરૂઆતમાં જ ફટકા

શ્રીલંકાએ જોકે પહેલી બે ઓવરમાં જ મૅચ ગુમાવી દીધી હતી. તિલકરત્ને દિલશાન પહેલી ઓવરમાં ચોથા બૉલે એક પણ બૉલ રમ્યા વગર રનઆઉટ થયો હતો અને બીજી ઓવરમાં કૅપ્ટન માહેલા જયવર્દને ૬ બૉલમાં એક બાઉન્ડરી સાથે ૪ રન બનાવીને આઉટ થયો હતો. મુનાવીરાની ૧૪ બૉલમાં ૧૩ અને કુમાર સંગકારાની ૧૧ બૉલમાં ૧૩ રનની ઇનિંગ્સ વિજય માટે પૂરતી નહોતી. આખરે શ્રીલંકાએ ૭ ઓવરમાં ૫ વિકેટે ૪૬ રન જ બનાવી શકતાં ૩૨ રનથી પરાજય જોવો પડ્યો હતો.