એશિયામાં ૪૫ વર્ષ બાદ ૬૦૦ પ્લસ રનનો સ્કોર કર્યો કાંગારૂઓએ

31 January, 2025 08:59 AM IST  |  Colombo | Gujarati Mid-day Correspondent

૬૫૪ રન કરી એશિયામાં પોતાનો હાઇએસ્ટ ટેસ્ટ-સ્કોર નોંધાવ્યો, શ્રીલંકામાં ડબલ સેન્ચુરી કરનાર આૅસ્ટ્રેલિયાનો પહેલો બૅટર બન્યો ઉસ્માન ખ્વાજા, જોશ ઇંગ્લિસે ડેબ્યુ-મૅચમાં ૯૦ બૉલમાં સેન્ચુરી કરી

ઉસ્માન ખ્વાજા અને સ્ટીવ સ્મિથે ત્રીજી વિકેટ માટે ૨૬૬ રનની જબરદસ્ત પાર્ટનરશિપ કરી હતી.

પહેલી ટેસ્ટના બીજા દિવસે આૅસ્ટ્રેલિયાએ ૬૫૪ રને દાવ ડિક્લેર કર્યો, શ્રીલંકાએ ૪૪ રનમાં ત્રણ વિકેટ ગુમાવી

શ્રીલંકાના ગૉલ સ્ટેડિયમમાં રમાતી વૉર્ન-મુરલીધરન ટ્રોફી માટેની ટેસ્ટ-સિરીઝમાં પહેલા દિવસથી એક પછી એક રેકૉર્ડ બની રહ્યા છે. ગઈ કાલે પહેલી ટેસ્ટ-મૅચના બીજા દિવસની રમતમાં ઑસ્ટ્રેલિયાની ટીમે ૧૫૪ ઓવરમાં ૬૫૪/૬ના સ્કોર પર પોતાનો પહેલો દાવ ડિક્લેર કર્યો હતો. બીજા દિવસના અંત સુધીમાં યજમાન ટીમે ૧૫ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ૪૪ રનનો સ્કોર કર્યો છે. ૧૯૮૦માં પાકિસ્તાનમાં ૬૦૦ પ્લસ રનનો સ્કોર કર્યો ત્યાર બાદ ઑસ્ટ્રેલિયન ટીમે એશિયાની ધરતી પર પહેલી વાર ટેસ્ટમાં આ આંકડો પાર કર્યો છે. એશિયામાં એનો ૬૫૪ રનનો સ્કોર હાઇએસ્ટ પણ છે.

ઑસ્ટ્રેલિયન ટીમે ઉસ્માન ખ્વાજા (૩૫૨ બૉલમાં ૨૩૨ રન), ટ્રૅવિસ હેડ (૪૦ બૉલમાં ૫૭ રન), કૅપ્ટન સ્ટીવ સ્મિથ (૨૫૧ બૉલમાં ૧૪૧ રન), પહેલી ટેસ્ટ-મૅચ રમી રહેલા જોશ ઇંગ્લિસ (૯૪ બૉલમાં ૧૦૨ રન) અને ઍલેક્સ કૅરી (૬૯ બૉલમાં ૪૬ રન અણનમ)ની ધમાકેદાર ઇનિંગ્સની મદદથી ૬૫૪ રનનો સ્કોર ખડકી દીધો હતો. ખ્વાજા અને સ્મિથે ત્રીજી વિકેટ માટે ૨૬૬ રનની પાર્ટનરશિપ કરી જે શ્રીલંકાની ધરતી પર ઑસ્ટ્રેલિયન ટીમ માટે સૌથી મોટી પાર્ટનરશિપનો રેકૉર્ડ પણ છે.

ખ્વાજા-ઇંગ્લિસ-સ્મિથે બનાવ્યા રેકૉર્ડ

૨૩૨ રન કરીને ઉસ્માન ખ્વાજાએ પોતાની ટેસ્ટ કરીઅરની પહેલી ડબલ સેન્ચુરી ફટકારી છે. શ્રીલંકાની ધરતી પર કોઈ પણ ઑસ્ટ્રેલિયન બૅટરની પણ પહેલી ડબલ સેન્ચુરી છે. ૩૮ વર્ષ અને ૪૨ દિવસની ઉંમરે ડબલ સેન્ચુરી કરીને તે ડૉન બ્રૅડમૅન બાદ ઑસ્ટ્રેલિયાનો બીજો સૌથી ઓલડેસ્ટ ડબલ સેન્ચુરિયન બન્યો છે.

૨૯ વર્ષનાે વિકેટકીપર-બૅટર જોશ ઇંગ્લિસ ડેબ્યુ ટેસ્ટમાં સેન્ચુરી કરનાર ૨૧મો ઑસ્ટ્રેલિયન બન્યો છે, પણ ૯૦ બૉલમાં સેન્ચુરી કરીને તે ઑસ્ટ્રેલિયા માટે ડેબ્યુ-ટેસ્ટમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારનાર બૅટર બની ગયો છે. તેણે માર્ક વૉનો વર્ષ ૧૯૯૧નો ઇંગ્લૅન્ડ સામેનો ૧૨૬ બૉલનો રેકૉર્ડ તોડ્યો હતો. ઓવરઑલ તે આ કમાલ કરનાર ભારતના શિખર ધવન બાદ બીજો ફાસ્ટેસ્ટ બૅટર બન્યો છે. શિખરે ઑસ્ટ્રેલિયા સામે ડેબ્યુ-ટેસ્ટમાં ૮૫ બૉલમાં સેન્ચુરી કરી હતી.

કૅપ્ટન સ્ટીવ સ્મિથ પહેલા દિવસે ૧૦,૦૦૦ ટેસ્ટ રન પૂરા કરનાર ઑસ્ટ્રેલિયાનો ચોથો બૅટ્સમૅન અને ઓવરઑલ ૧૫મો બૅટ્સમેન બન્યો છે.

sri lanka australia galle steve smith travis head cricket news sports news sports