ઑસ્ટ્રેલિયા અન્ડર-૧૯ વર્લ્ડ કપમાંથી ખસી ગયું

06 January, 2016 03:15 AM IST  | 

ઑસ્ટ્રેલિયા અન્ડર-૧૯ વર્લ્ડ કપમાંથી ખસી ગયું


૨૭ જાન્યુઆરીથી બંગલા દેશમાં શરૂ થઈ થનારા અન્ડર-૧૯ વર્લ્ડ કપમાંથી ઑસ્ટ્રેલિયા સુરક્ષાના કારણસર હટી ગયું છે. ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે ગઈ કાલે ICCને ટુર્નામેન્ટમાંથી હટી જવાનો નિર્ણય જણાવ્યો હતો. ગયા વર્ષ ઑક્ટોબરમાં પણ ઑસ્ટ્રેલિયાએ એની સિનિયર ટીમની બંગલા દેશની ટૂર પણ આ જ સુરક્ષાના કારણસર કૅન્સલ કરી હતી. ઑસ્ટ્રેલિયા હટી જતાં અન્ડર-૧૯ વર્લ્ડ કપની ચમક થોડી ઝાંખી પડી જશે, કેમ કે એ ૧૯૮૮, ૨૦૦૨ અને ૨૦૧૦ એમ ત્રણ વખતની ચૅમ્પિયન ટીમ હતી.

હટી જવાના નિર્ણયને આકરો ગણાવતાં ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર જેમ્સ સધરલૅન્ડે જણાવ્યું હતું કે ‘ટુર્નામેન્ટમાંથી હટી જવાનો અમારો આ નિર્ણય ખૂબ મુશ્કેલ હતો. અમારા આ નિર્ણયથી જે અસુવિધા સર્જાશે એ માટે અમે પ્રશંસકો ઉપરાંત આયોજકો અને ખાસ કરીને ICC અને બંગલા દેશ ક્રિકેટ બોર્ડની માફી માગીએ છીએ. અમને મળેલી જાણકારી અને સલાહ બાદ અમારી પાસે આવો આકરો નિર્ણય લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. અમે હંમેશાં અમારા ખેલાડીઓ અને અધિકારીઓની સલામતી અને સુરક્ષાને સવોર્ચ્ચ પ્રાથમિકતા આપીએ છીએ.’

ભારતના ગ્રુપમાં હતું

ઑસ્ટ્રેલિયા ભારત સાથે ગ્રુપ Dમાં હતું. એ ગ્રુપની અન્ય ટીમો ન્યુ ઝીલૅન્ડ અને નેપાલ છે.

વૉર્મ-અપ મૅચો રમશે

ટુર્નામેન્ટમાંથી ખસી જવા છતાં ઑસ્ટ્રેલિયન ટીમ આવતા અઠવાડિયે UAE (યુનાઇટેડ આરબ એમિરેટ્સ)માં પાકિસ્તાન અને ન્યુ ઝીલૅન્ડના સમાવેશવાળી વૉર્મ-અપ ટ્રાયેન્ગ્યુલર સિરીઝમાં રમવા જશે.

આયરલૅન્ડને મોકો

ત્રણ વખતની ચૅમ્પિયન ટીમ ઑસ્ટ્રેલિયા ખસી જતાં ICCએ રિપ્લેસમેન્ટ તરીકે આયરલૅન્ડની ટીમને અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં રમવા માટે આમંત્રણ આપ્યું છે.