ઑસ્ટ્રેલિયા અહીં ૨૫ વર્ષથી હાર્યું નથી, ભારત ક્યારેચ જીત્યું નથી

17 December, 2014 06:42 AM IST  | 

ઑસ્ટ્રેલિયા અહીં ૨૫ વર્ષથી હાર્યું નથી, ભારત ક્યારેચ જીત્યું નથી




બ્રિસ્બેનમાં આજથી બીજી ટેસ્ટ-મૅચ શરૂ થઈ છે. આ મેદાનમાં ભારત પાંચ ટેસ્ટ-મૅચ રમ્યું છે જેમાં ચારમાં હાર્યું છે તો એક મૅચ ડ્રૉ થઈ છે. ૧૯૯૨થી ૨૦૧૩ દરમ્યાન ભારત માત્ર એક જ ટેસ્ટ અહીં રમ્યું છે. ૨૦૦૩-૨૦૦૪માં રમાયેલી એક માત્ર ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી હતી. બીજી તરફ ઑસ્ટ્રેલિયા અહીં છેલ્લાં ૨૫ વર્ષથી હાર્યું નથી. છેલ્લે ૧૯૮૮માં વેસ્ટ ઇન્ડીઝની ટીમ અહિં નવ વિકેટે જીતી હતી.

અહીં સ્પિનર કરતાં ફાસ્ટ બોલરોને વધુ વિકેટો મળી છે. ટીમની ૧૦ પૈકી ૯ વિકેટ ફાસ્ટરોએ લીધી છે. એમ છતાં અહીં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાનો રેકૉર્ડ સ્પિનર શેન વૉર્નના નામે છે જેણે અહીં કુલ ૬૮ વિકેટો લીધી છે.

ગૅબામાં માર્શ ભાઈઓ રચશે ઇતિહાસ

બ્રિસ્બેન ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાની ટીમ ભારત સામે રમશે ત્યારે જ્યૉફ માર્શ સૌથી વધુ ગર્વ અનુભવશે, કારણ કે તેમના બે દીકરા શૉન માર્શ અને મિશેલ માર્શ એકસાથે ઑસ્ટ્રેલિયા વતી રમતા હશે. એક પિતા માટે આનાથી વધુ ગર્વની વાત શું હોઈ શકે. જ્યૉફ માર્શ પોતે પણ ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બૅટ્સમૅન રહી ચૂક્યા છે.

છેલ્લાં ૧૨ વર્ષ બાદ આ પહેલો અવસર હશે જેમાં બે ભાઈઓ કોઈ એક ટેસ્ટ-મૅચ સાથે રમવા માટે આવ્યા હોય. ૨૦૦૨માં સ્ટીવ વૉ અને માર્ક વૉની જોડી શારજાહમાં પાકિસ્તાન સામેની ટેસ્ટમાં રમી હતી. માર્શ ભાઈઓ ઑસ્ટ્રેલિયાના ઇતિહાસમાં પાંચમા એવા ભાઈઓ હશે જેઓ એકસાથે ટેસ્ટમાં રમવા માટે આવ્યા હોય. આ પહેલાં ઇયાન અને ગ્રેગ ચૅપલ એકસાથે ઘણી ટેસ્ટમાં રમ્યા છે. તેમના પહેલાં નૅડ અને ડેવ ગ્રિગોરી ૧૮૭૭માં તો ચાલ્ર્સ અને એલક બૅનરમૅન ૧૮૭૯માં ઑસ્ટ્રેલિયા વતી રમી ચૂક્યા છે.

શૉન માર્શ, મિશેલ માર્શ કરતાં આઠ વર્ષ મોટો છે. તે ઑસ્ટ્રેલિયા વતી ૯ ટેસ્ટ રમી ચૂક્યો છે, જ્યારે ૨૩ વર્ષના મિશેલ માર્શની ટેસ્ટ-કરીઅર હજી ઑક્ટોબર મહિનાથી જ શરૂ થઈ છે.