સાઉથ આફ્રિકા સામે કાંગારૂઓ લાગલગાટ છઠ્ઠી T20 સિરીઝ જીત્યા

18 August, 2025 07:00 AM IST  |  Canberra | Gujarati Mid-day Correspondent

આ પહેલાં વર્ષ ૨૦૦૯માં ઑસ્ટ્રેલિયાએ પોતાના હોમગ્રાઉન્ડમાં સાઉથ આફ્રિકા સામે જ ૧૫૮ રનનો હાઇએસ્ટ ટાર્ગેટ ચેઝ કરવાનો રેકૉર્ડ કર્યો હતો

ટી20 સિરીઝની ટ્રોફી સાથે ઑસ્ટ્રેલિયન ટીમ અને વિનિંગ ફોર ફટકાર્યા બાદ ગ્લેન મૅક્સવેલે કરી હતી જીતની શાનદાર ઉજવણી. ૮ ફોર અને બે સિક્સરની મદદથી રમ્યો હતો ૬૨ રનની અણનમ ઇનિંગ્સ.

યજમાન ઑસ્ટ્રેલિયાએ ગઈ કાલે ત્રીજી મૅચમાં બે વિકેટે જીત નોંધાવી ત્રણ મૅચની T20 સિરીઝ ૨-૧થી જીતી લીધી છે. સિરીઝની નિર્ણાયક મૅચમાં સાઉથ આફ્રિકાએ એક ફોર અને ૬ સિક્સર ફટકારનાર ડેવાલ્ડ બ્રેવિસ (૨૬ બૉલમાં ૫૩ રન)ની ઇનિંગ્સની મદદથી સાત વિકેટે ૧૭૨ રન કર્યા હતા. ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલ (૩૬ બૉલમાં ૬૨ રન)ની અણનમ ઇનિંગ્સના આધારે ઑસ્ટ્રેલિયાએ ૧૯.૫ ઓવરમાં ૧૭૩ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ૮ ફોર અને બે સિક્સરવાળી તાબડતોડ ઇનિંગ્સ રમનાર મૅક્સવેલે અંતિમ ઓવરમાં જીત માટે જરૂરી ૧૦ રન એકલા હાથે ફટકાર્યા હતા.

ઑસ્ટ્રેલિયાએ ઘરઆંગણે પોતાનો સૌથી મોટો T20નો ૧૭૩ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આ પહેલાં વર્ષ ૨૦૦૯માં ઑસ્ટ્રેલિયાએ પોતાના હોમગ્રાઉન્ડમાં સાઉથ આફ્રિકા સામે જ ૧૫૮ રનનો હાઇએસ્ટ ટાર્ગેટ ચેઝ કરવાનો રેકૉર્ડ કર્યો હતો. સાઉથ આફ્રિકા સામે કાંગારૂઓની આ સળંગ છઠ્ઠી અને ઓવરઑલ સાતમી T20 સિરીઝ જીત છે. સાઉથ આફ્રિકા આ હરીફ સામે માત્ર ૨૦૦૮-’૦૯માં બે મૅચની T20 સિરીઝ જીતી શક્યું છે. 

12
આટલી હાઇએસ્ટ વખત મૅક્સવેલે ઑસ્ટ્રેલિયા માટે T20માં પ્લેયર ઑફ ધ મૅચ જીતવાના મામલે ડેવિડ વૉર્નરની બરાબરી કરી.

australia south africa t20 t20 international cricket news sports news sports glenn maxwell