સાઉથ આફ્રિકાને હરાવીને ઑસ્ટ્રેલિયા ફાઇનલમાં

22 August, 2012 05:33 AM IST  | 

સાઉથ આફ્રિકાને હરાવીને ઑસ્ટ્રેલિયા ફાઇનલમાં

ટાઉન્સવિલ (ઑસ્ટ્રેલિયા): ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાએ ઑલરાઉન્ડ પફોર્ર્મન્સ વડે ગઈ કાલે સેમી ફાઇનલમાં સાઉથ આફ્રિકાને ૪ વિકેટે હરાવીને અન્ડર-૧૯ વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. ૧૯૨ રનનો ટાર્ગેટ ૬ વિકેટ ગુમાવીને ૪૮.૩ ઓવરમાં મેળવી લઈને ઑસ્ટ્રેલિયા સતત બીજી વાર ચૅમ્પિયન બનવા તરફ વધુ એક ડગલું આગળ વધ્યું હતું.  

ટૉસ ફરી નિર્ણાયક બન્યો

ઑસ્ટ્રેલિયાની બાઉન્સી પિચો પર પહેલા સેશનમાં બૅટિંગ કરવી હંમેશાં મુશ્કેલ બનતી હોય છે એટલે ટૉસ નિર્ણાયક સાબિત થતો હોય છે. ઑસ્ટ્રેલિયાએ પણ ગઈ કાલે ટૉસ જીતીને સાઉથ આફ્રિકાને પહેલાં બૅટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. કાંગારૂના ઓપનિંગ બોલરો જોએલ પૅરિસ અને માર્ક સ્ટેકેટીએ શરૂઆતમાં જ બે ઝટકા આપતાં સાઉથ આફ્રિકાએ ૪ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર અને કૅપ્ટન ચાડ બાઉસે ૧૦૪ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૪૬ રન બનાવીને લડત આપી હતી. કૅપ્ટન ઉપરાંત મરે કોત્ઝી (૭૬ બૉલમાં ૫૦) અને પ્રેનેલન સુબ્રયન (૩૯ બૉલમાં અણનમ ૩૦)ની ઉપયોગી ઇનિંગ્સને લીધે સાઉથ આફ્રિકા ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૧૯૧ રન સુધી પહોંચી શકી હતી. ઑસ્ટ્રેલિયા તરફથી સ્ટેકેટીએ ૩૫ રનમાં ત્રણ અને ગુરિન્દર સંધુએ ૨૩ રનમાં બે વિકેટ લીધી હતી.

ઑસ્ટ્રેલિયાની પણ ખરાબ શરૂઆત

૧૯૨ રનના ટાર્ગેટ સામે ઑસ્ટ્રેલિયાએ ખરાબ શરૂઆત કરી હતી. ૩ રનમાં કાંગારૂઓએ બે વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર જિમી પિયરસન અને વન-ડાઉન બૅટ્સમૅન મેરિક બુકાનન ખાતું ખોલાવ્યા વિના પૅવિલિયનભેગા થઈ ગયા હતા. ઓપનર કૅમેરન બૅનક્રૉફ્ટ (૧૩૩ બૉલમાં ૬૬) અને કર્ટિસ પેટરસન (૭૧ બૉલમાં ૪૯) વચ્ચે ત્રીજી વિકેટ માટે સૉલિડ ૯૫ રનની અને ત્યાર બાદ ચોથી વિકેટ માટે બૅનક્રૉફ્ટ અને કૅપ્ટન વિલિયમ બોસિસ્ટો (૬૭ બૉલમાં ૪૦) વચ્ચે ૭૫ રનની પાર્ટનરશિપ થતાં કાંગારૂઓની જીત આસાન બની ગઈ હતી. ૪૪મી ઓવરમાં બૅનક્રૉફ્ટ અને ટ્રેવિસ હેડની ઉપરાઉપરી વિકેટ પડી જતાં થોડો સમય ઑસ્ટ્રેલિયન કૅમ્પમાં ચિંતા વધી ગઈ હતી, પણ કૅપ્ટન બોસિસ્ટોએ વર્લ્ડ કપમાં તેના સારા ફૉર્મનો પરચો બતાવ્યો હતો અને ૪૮મી ઓવરમાં આઉટ થતાં પહેલાં ઉપયોગી ૪૦ રન બનાવીને ટીમની ફાઇનલનો માર્ગ આસાન બનાવી દીધો હતો. સાઉથ આફ્રિકા તરફથી લિઝર્ડ વિલિયમ્સનો ૪૦ રનમાં ૩ વિકેટનો બેસ્ટ બોલિંગ-પફોર્ર્મન્સ રહ્યો હતો. કાંગારૂના ઓપનર બૅનક્રૉફ્ટને તેની શાનદાર ૬૬ રનની ઇનિંગ્સ બદલ મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.

કાંગારૂ કૅપ્ટન પહેલી વાર આઉટ

ઑસ્ટ્રેલિયન કૅપ્ટન બોસિસ્ટો ગઈ કાલે ૪૦ રન બનાવીને રનઆઉટ થતાં વર્લ્ડ કપમાં તેનો આગળની ચારેય મૅચોમાં અણનમ રહેવાનો સિલસિલો તૂટી ગયો હતો. બોસિસ્ટોએ પહેલી મૅચમાં ઇંગ્લૅન્ડ સામે અણનમ ૩૫, બીજી મૅચમાં નેપાલ સામે અણનમ સાત, ત્રીજી મૅચમાં આયર્લેન્ડ સામે અણનમ ૩૬ તથા ચોથી અને ક્વૉર્ટર ફાઇનલમાં બંગલા દેશ સામે અણનમ ૭૧ રન બનાવ્યા હતા.

નેપાલ-પપુઆ ન્યુ ગિની પણ જીત્યાં

પ્લે-ઑફ મુકાબલાઓમાં ઇંગ્લૅન્ડે પાંચમા સ્થાન માટેની પ્લે-ઑફ સેમી ફાઇનલમાં બંગલા દેશને ચાર વિકેટે હાર આપી હતી, જ્યારે ૧૩મા સ્થાન માટેની પ્લે-ઑફ સેમી ફાઇનલમાં નેપાલે નામિબિયાને ૩૯ રનથી હાર આપી હતી. નેપાલનો પ્રદીપ ઐરી ફક્ત બે રન માટે ટુર્નામેન્ટનો પહેલો સેન્ચુરિયન બનતાં રહી ગયો હતો. પ્રદીપે ૭૬ બૉલમાં ૩ સિક્સર અને ૩ ફોર સાથે અણનમ ૯૮ રન બનાવ્યા હતા. નવમા સ્થાન માટેની પ્લે-ઑફ સેમી ફાઇનલમાં અફઘાનિસ્તાને સ્કૉટલૅન્ડને ૧૨૬ રનથી તથા પપુઆ ન્યુ ગિની ટીમે ૧૩મા સ્થાન માટેની પ્લે-ઑફમાં ઝિમ્બાબ્વેને ૧૨ રનથી હાર આપી હતી.