૩૨ રનમાં ૭ વિકેટ ગુમાવીને કાંગારૂઓ જીતેલી બાજી હાર્યા

15 September, 2020 03:31 PM IST  |  Manchester | IANS

૩૨ રનમાં ૭ વિકેટ ગુમાવીને કાંગારૂઓ જીતેલી બાજી હાર્યા

બીજી વન-ડેમાં ઇંગ્લૅન્ડનો નાટ્યાત્મક ૨૪ રનથી વિજય, સિરીઝ ૧-૧થી લેવલ, આવતી કાલે નિર્ણાયક ટક્કર.

રવિવારે સિરીઝની બીજી વન-ડેમાં ઑસ્ટ્રેલિયન ટીમે ઇંગ્લૅન્ડ સામે બીજી વન-ડેમાં મોઢા સુધી આવી ગયેલો જીતનો પ્યાલો ગુમાવીને સિરીઝ જીતવાની તક પણ ગુમાવી દીધી હતી. ઇંગ્લૅન્ડે આપેલા ૨૩૨ રનના ટાર્ગેટ સામે ઑસ્ટ્રેલિયનો ૪૮.૪ ઓવરમાં ૨૦૭ રનમાં ઑલઆઉટ થઈ ગયા હતા અને ૨૪ રનથી તેણે હાર જોવી પડી હતી. આ જીત સાથે ઇંગ્લૅન્ડે સિરીઝમાં ૧-૧થી બરોબરી કરી લીધી છે. પહેલી વન-ડેમાં ઑસ્ટ્રેલિયાનો ૧૯ રનથી વિજય થયો હતો. હવે ત્રીજી અને નિર્ણાયક છેલ્લી વન-ડે આવતી કાલે આ જ મેદાનમાં રમાશે. 

જીતતાં-જીતતાં હારી ગયા
૨૩૨ રનના ટાર્ગેટ સામે ઑસ્ટ્રેલિયાએ ૩૭ રનમાં ડેવિડ વૉર્નર અને વન-ડાઉન સ્ટૉઇનિસને ગુમાવીને નબળી શરૂઆત કરી હતી. જોકે ત્યાર બાદ કૅપ્ટન ઍરોન ફિન્સ (૭૩) અને માર્નસ લબુશેને (૪૮) ત્રીજી વિકેટ માટે ૧૦૭ રનની પાર્ટનરશિપ સાથે ટીમના સ્કોરને બે વિકેટે ૧૪૪ રન સુધી પહોંચાડી દીધો હતો. ટીમે બાકીના ૧૧૫ બૉલમાં ૮૮ રન બનાવવાના હતા અને ૮ વિકેટ તેમના હાથમાં હતી. કાંગારૂઓ આસાનીથી મૅચ જીતીને સિરીઝ કબજે કરી લેશે એવું લાગી રહ્યું હતું. જોકે ત્યાર બાદ જોફ્રા આર્ચર (૩૪ રનમાં ૩), ક્રિસ વૉક્સ (૩૨ રનમાં ૩) અને સૅમ કરેન (૩૫ રનમાં ૩)ના તરખાટ સામે આશ્ચર્યજનક રીતે તેઓ ફસડાઈ પડ્યા હતા. ઑસ્ટ્રેલિયા માત્ર ૩૨ રનમાં ૭ વિકેટ ગુમાવીને ૯ વિકેટે ૧૭૬ રનની દયનીય સ્થિતિમાં પહોંચી ગયા હતા. આખરે ૪૮.૪ ઓવરમાં ૨૦૭ રનના સ્કોરે ઑલઆઉટ થઈ ગયા હતા. ઇંગ્લૅન્ડના કૅપ્ટન ઓઇન મૉર્ગનનો અટૅક, અટૅક અને અટૅકનો મંત્ર સફળ થયો હતો. જોફ્રા આર્ચર મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.
રાશિદ-કરેન વહારે આવ્યા
ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પણ ૧૪૯ રનમાં ૮ વિકેટ ગુમાવીને તેઓ દયનીય સ્થિતિમાં પહોંચી ગયા હતા. નવમી વિકેટ માટે આદિલ રશિદ (૩૫) અને ટૉમ કરેન (૩૭) ૭૬ રનની પાર્ટનરશિપ સાથે ટીમની વહારે આવ્યા હતા અને ટીમના સ્કોરને ૨૩૧ રનના સન્માનજનક સ્કોર સુધી લઈ ગયા હતા. પહેલી મૅચનો સેન્ચુરિયન સૅમ બિલિંગ માત્ર ૮ રન બનાવી શક્યો હતો.
ઇંગ્લૅન્ડ ૨૦૧૫થી કોઈ બે દેશ વચ્ચેની વન-ડે સિરીઝ હાર્યું નથી અને હવે આ પરંપરા જાળવી રાખવા આવતી કાલની મૅચ જીતવી જરૂરી છે. બીજી તરફ ૨૦૧૯ વર્લ્ડ કપ બાદ ઑસ્ટ્રેલિયાની નવમી મૅચમાં આ છઠ્ઠી હાર હતી, જે તેમને માટે ચિંતાનો વિષય બની છે.

cricket news test cricket