સાઉથ આફ્રિકનોએ ઑસ્ટ્રેલિયનોને ફરી જીતવા ન દીધા

27 November, 2012 06:24 AM IST  | 

સાઉથ આફ્રિકનોએ ઑસ્ટ્રેલિયનોને ફરી જીતવા ન દીધા



ઍડીલેડ : પહેલી જ ટેસ્ટમૅચ રમી રહેલા મિડલ-ઑર્ડર બૅટ્સમૅન ફૅફ ડુ પ્લેસીએ ગઈ કાલે ઑસ્ટ્રેલિયા સામે ૪૬૪ મિનિટ (લગભગ પોણાઆઠ કલાક) સુધી ક્રીઝ પર રહીને અને ૩૭૬ બૉલનો સામનો કરીને સાઉથ આફ્રિકાને પરાજયની નામોશીથી બચાવી લીધું હતું. સાઉથ આફ્રિકનોએ જાણે ડ્રૉમાં પણ વિજય માણ્યો હતો. બ્રિસ્બેનની પ્રથમ ટેસ્ટમૅચમાં પણ સાઉથ આફ્રિકનોએ કાંગારૂઓને જીતવા નહોતા દીધા. પ્લેસીને કરીઅરની આ પહેલી જ ટેસ્ટમાં મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો. પ્લેસીએ એક રીતે ઈજાગ્રસ્ત પ્લેયર જીન-પૉલ ડુમિનીનું અનુકરણ કર્યું છે.

ડુમિની બ્રિસ્બેનની આગલી ટેસ્ટમૅચમાં પગમાં થયેલી ઈજાને કારણે ઍડીલેડની આ મૅચમાં નહોતો રમ્યો અને તેની ગેરહાજરીમાં પ્લેસીને ટેસ્ટકરીઅર શરૂ કરવાનો મોકો મળી ગયો હતો. ડુમિનીએ ચાર વર્ષ પહેલાં (૨૦૦૮માં) કારકિર્દીની પહેલી ટેસ્ટના બીજા દાવમાં ૧૧૯ બૉલમાં અણનમ ૫૦ રન બનાવીને પર્થમાં સાઉથ આફ્રિકાને ઑસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક વિજય અપાવ્યો હતો. ત્યારે ગ્રેમ સ્મિથ ઍન્ડ કંપનીએ ૪૧૪ રનનો ટાર્ગેટ ખુદ સ્મિથ (૧૦૮) તથા એ. બી. ડિવિલિયર્સ (૧૦૬ નૉટઆઉટ)ની મોટી ઇનિંગ્સ અને ડુમિનીની હાફ સેન્ચુરીથી હાંસલ કરી લીધો હતો.

ગઈ કાલે પ્લેસીએ ડુમિનીના વિકલ્પ તરીકેની ભૂમિકામાં તેના જેવી જ ઇનિંગ્સ રમીને મૅચ ડ્રૉ કરાવડાવી હતી. ઑસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને ૪૩૦ રનનો વિક્રમજનક ટાર્ગેટ આપ્યો હતો. રવિવારના ચોથા દિવસે સાઉથ આફ્રિકાનો સ્કોર ૪ વિકેટે ૭૭ રન હતો અને પરાજય તરફ જઈ રહ્યું હતું. જોકે ગઈ કાલે પ્લેસી (૧૧૦ નૉટઆઉટ, ૩૭૬ બૉલ, ૧૪ ફોર), એ. બી. ડિવિલિયર્સ (૩૩ રન, ૨૨૦ બૉલ) અને જૅક કૅલિસે (૪૬ રન, ૧૧૦ બૉલ, ૬ ફોર) તેમ જ પૂંછડિયા બૅટ્સમેનોએ મૅચ ડ્રૉ કરાવીને સાઉથ આફ્રિકાને હારથી બચાવી લીધું હતું. ડેલ સ્ટેન (૨૮ બૉલમાં ૦), રૉરી ક્લિનવેલ્ટ (૧૭ બૉલમાં ૩) અને મૉર્ની મૉર્કલ (૧૨ બૉલમાં ૮ નૉટઆઉટ) એવું રમ્યા હતા કે ૧૧મા બૅટ્સમૅન ઇમરાન તાહિરે રમવા ઉતરવું પડે એવો સમય જ નહોતો આવ્યો. ઑસ્ટ્રેલિયાના બોલરોમાં ઈજાગ્રસ્ત જેમ્સ પૅટિન્સનની ગેરહાજરી હતી.

પ્લેસી બે વર્ષથી વન-ડે રમે છે


યોગાનુયોગ ડુમિનીની જેમ પ્લેસી પણ ૨૮ વર્ષનો છે. રાઇટી બૅટ્સમૅન પ્લેસી ફસ્ર્ટ-ક્લાસ ક્રિકેટ આઠ વર્ષથી રમે છે. તેણે વન-ડે કરીઅર શરૂ કરી એને બે વર્ષ થવા આવ્યા, બે વર્ષથી આઇપીએલમાં રમે છે અને T20ની કારકિર્દીને પણ ત્રણ મહિના થઈ ગયા છે, પરંતુ તેની ટેસ્ટકરીઅર ગઈ કાલે પૂરી થયેલી મૅચથી શરૂ થઈ હતી અને એમાં તેણે સાઉથ આફ્રિકાને પરાજયથી બચાવી લઈને ઇતિહાસમાં જવલ્લે જોવા મળતા આવા પર્ફોમન્સિસમાં પોતાનું નામ લખાવી દીધું હતું.

નિર્ણાયક ટેસ્ટમૅચ શુક્રવારથી

ટેસ્ટસિરીઝમાં બન્ને દેશો ૦-૦થી બરાબરીમાં છે. પર્થની નિર્ણાયક ટેસ્ટમૅચ શુક્રવારે શરૂ થશે. ઑસ્ટ્રેલિયા એ મૅચ જીતી જશે તો ફરી નંબર વન ટીમ થઈ જશે. જો કાંગારૂઓ નહીં જીતે તો સાઉથ આફ્રિકા જ મોખરે રહેશે.

આઇપીએલ = ઇન્ડિયન પ્રીમિયર લીગ