સહાની સદીને કારણે રેસ્ટ ઑફ ઇન્ડિયાની જીત તરફ આગેકૂચ

24 January, 2017 06:57 AM IST  | 

સહાની સદીને કારણે રેસ્ટ ઑફ ઇન્ડિયાની જીત તરફ આગેકૂચ


ઈરાની કપમાં પહેલા બે દિવસ દરમ્યાન ગુજરાતનો દબદબો હતો. ત્રીજા દિવસે રેસ્ટ ઑફ ઇન્ડિયાએ વાપસી કરી હતી. ગઈ કાલે ચોથા દિવસે વૃદ્ધિમાન સહાની સદીએ પાસું પલટાવવાનું કામ કર્યું. મુંબઈના બ્રેબર્ન સ્ટેડિયમમાં સહાએ કૅપ્ટન ચેતેશ્વર પુજારા (નૉટઆઉટ ૮૩) સાથે નૉટઆઉટ ૨૦૩ રનની પાર્ટનરશિપ કરતાં ટીમને જીત તરફ અગ્રેસર કરાવી હતી. રેસ્ટ ઑફ ઇન્ડિયાને જીત માટે ૩૭૯ રનની જરૂર છે. ગઈ કાલે એણે ચાર વિકેટે ૨૬૬ રન કર્યા હતા. એક સમયે એનો સ્કોર ચાર વિકેટે ૬૩ રન હતો. ૩૨ વર્ષના સહાએ ૨૧૪ બૉલમાં નૉટઆઉટ ૧૨૩ રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સમાં ત્રણ સિક્સર અને ૧૬ ચોગ્ગાનો સમાવેશ થાય છે.

રેસ્ટ ઑફ ઇન્ડિયાની પહેલી ઇનિંગ્સમાં સૌથી વધુ ૮૬ રન બનાવનાર કૅપ્ટન ચેતેશ્વર પુજારા સામે છેડે ૧૮૧ બૉલમાં ૮૩ રનની ઇનિંગ્સ સાથે નૉટઆઉટ છે. રેસ્ટ ઑફ ઇન્ડિયાની ટીમ પહેલી ઇનિંગ્સમાં ૧૩૨ રન પાછળ હતી. હવે એ લક્ષ્યાંક કરતાં ૧૧૩ રન પાછળ છે તેમ જ એની છ વિકેટ પડવાની હજી બાકી છે. ઈજાને કારણે ભારતીય ટીમમાંથી બહાર રહેનાર સહા માટે વાપસીનો દાવો મજબૂત કરવા માટે આના કરતાં સારું પ્લૅટફૉર્મ બીજું કોઈ નહોતું.