મૅરી કોમ વિફરી કહ્યું, ઑલિમ્પિક્સ વખતે જ કેમ મળે છે સારું ભોજન?

03 August, 2016 03:19 AM IST  | 

મૅરી કોમ વિફરી કહ્યું, ઑલિમ્પિક્સ વખતે જ કેમ મળે છે સારું ભોજન?



રાજ્યસભાની સંસદસભ્ય અને ઑલિમ્પિક્સ મેડલ વિજેતા મહિલા બૉક્સર મૅરી કૉમે ગઈ કાલે રાજ્યસભામાં ખેલાડીઓને ટ્રેઇનિંગ દરમ્યાન સારું ભોજન ન મળતું હોવાનો સવાલ ઉઠાવ્યો હતો. મૅરી કૉમે રાજ્યસભામાં ઑલિમ્પિક્સ રમતો માટે બજેટ વધારવાની માગણી કરી હતી તેમ જ ઑલિમ્પિક્સ ખેલાડીઓને સહન કરવી પડતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો હતો. પહેલી વખત પ્રશ્ન પૂછતાં તેણે ઑલિમ્પિક્સ માટે ગયેલા ખેલાડીઓને શુભેચ્છા આપી હતી તેમ જ આશા વ્યક્ત કરી હતી કે ખેલાડીઓ મેડલ જીતીને લાવશે.

ખેલાડીઓને પડતી મુશ્કેલી બાબતે વાત કરતાં મૅરી કૉમે કહ્યું હતું કે ‘સૌથી મોટી સમસ્યા ટ્રેઇનિંગની તેમ જ સારા ભોજનની છે. ટ્રેઇનિંગ વખતે ખેલાડીઓને સારું ભોજન નથી મળતું, પરંતુ જ્યારે ઑલિમ્પિક્સ જેવી રમતોમાં જવાનું હોય છે ત્યારે તેને સારું ભોજન આપવામાં આવે છે.’ તેની આ વાત સાંભળતાં જ સંસદમાં સોપો પડી ગયો હતો. ત્યાર બાદ તમામ સભ્યોએ બેન્ચ થપથપાવીને મૅરી કૉમનું સમર્થન કર્યું હતું.

આ વર્ષે એપ્રિલ મહિનામાં મૅરી કૉમની રાજ્યસભાનાં સભ્ય તરીકે રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્તિ કરવામાં આવી હતી. મૅરી કૉમના સવાલનો જવાબ આપતાં સ્ર્પોટ્સ મિનિસ્ટર વિજય ગોયલે કહ્યું હતું કે ‘આ વખતે ૧૧૯ ખેલાડીઓની ટ્રેઇનિંગ પાછળ ૩૦ લાખથી માંડીને એક કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. વળી ૨૦૨૦ ટોક્યો ઑલિમ્પિક્સ માટેની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે.’