જે પૂછવું હોય તે જલદી પૂછી લો, મારું અંગ્રેજી પાંચ મિનિટમાં પૂરું થઈ જશે, ભાઈ!

28 October, 2021 09:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્રેસ કોન્ફરન્સમાં અફઘાનિસ્તાન ટીમના કેપ્ટન મોહમ્મદ નબીએ આપ્યું એવું નિવેદન કે લોકો હસીને લોટપોટ થઈ ગયા.

ફોટો/એએફપી

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમની ગણતરી T20ની શ્રેષ્ઠ ટીમોમાં થાય છે. હાલમાં આ ટીમે UAE અને ઓમાનમાં રમાઈ રહેલા ICC T20 વર્લ્ડ કપ-2021માં પણ સારો દેખાવ કર્યો છે અને સુપર-12માં સ્કોટલેન્ડ સામે જોરદાર જીત નોંધાવી છે, પરંતુ આ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં અફઘાનિસ્તાન ટીમના કેપ્ટન મોહમ્મદ નબીએ એવી વાત કહી કે જો કોઈ તેની વાત સાંભળે તો હસવું રોકવું મુશ્કેલ થઈ જશે.

મીડિયા ફોર્મમાં પ્રવેશતાની સાથે જ પ્રેસ કોન્ફરન્સ વિશે તેમણે કહ્યું કે “આ સૌથી મુશ્કેલ બાબત છે.” આ પછી, નબીએ ત્યાં હાજર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરનાર વ્યક્તિને પૂછ્યું “કેટલા પ્રશ્નો છે?” આ બંને નિવેદનો પછી તેમણે હસતાં-હસતાં ઉમેર્યું કે “જે પૂછવું હોય તે જલ્દી પૂછી લો, મારું અંગ્રેજી પાંચ મિનિટમાં પૂરું થઈ જશે, ભાઈ.” જુઓ વીડિયો.

નબી તેની કારકિર્દીમાં પ્રથમ વખત ICC ટુર્નામેન્ટમાં ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. તે ભૂતકાળમાં પણ કેપ્ટન રહી ચૂક્યો છે, પરંતુ તેને આઈસીસી ટુર્નામેન્ટમાં કેપ્ટન બનવાની તક મળી નથી. જ્યારે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે આ વર્લ્ડકપ માટે ટીમની પસંદગી કરી ત્યારે કેપ્ટનશીપની જવાબદારી રાશિદ ખાનના ખભા પર હતી, પરંતુ રાશિદે એ કહીને કેપ્ટનશીપ છોડી દીધી કે જો કેપ્ટન રહીને તેને ટીમ સિલેક્શનમાં સામેલ કરવામાં ન આવે તો તેનો આ પદ પર રહેવાનો કોઈ અર્થ નથી. આ પછી નબીને કેપ્ટનશીપ મળી હતી.

ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાને 25 ઑક્ટોબરે સ્કોટલેન્ડ સામે રમાયેલી મેચમાં મોટા અંતરથી જીત મેળવી હતી. તેમણે સ્કોટલેન્ડને 130 રનથી હરાવ્યું હતું. અફઘાનિસ્તાને આ મેચમાં ચાર વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા હતા.

sports news cricket news