એશિયા કપમાં ધોનીનું રમવું શંકાસ્પદ

23 February, 2016 03:02 AM IST  | 

એશિયા કપમાં ધોનીનું રમવું શંકાસ્પદ




એશિયા કપ શરૂ થાય એ પહેલાં જ ભારતીય ટીમને મોટો આંચકો લાગ્યો છે. ટીમનો સૌથી ભરોસાપાત્ર ખેલાડી કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ગઈ કાલે ટ્રેઇનિંગ સેશન દરમ્યાન ઈજાગ્રસ્ત થયો હતો. ધોનીના સ્નાયુઓ ખેંચાઈ ગયા છે જેને કારણે તે સિરીઝમાં રમશે કે નહીં એના પર પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. ભારતીય ક્રિકેટ બોર્ડે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે ધોની ઘાયલ થઈ ગયો છે. તેને બદલે પાર્થિવ પટેલને સમાવવામાં આવ્યો છે જે ધોનીના કવર તરીકે ટીમમાં જોડાશે.

પાર્થિવ પટેલે ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું હતુંં જેને કારણે તેને ટીમમાં સ્થાન મળ્યું છે. આ વર્ષે એશિયા કપનું આયોજન વ્૨૦ ફૉર્મેટમાં કરવામાં આવ્યું છે. ભારતીય ટીમ અત્યારે બંગલા દેશ પહોંચી ચૂકી છે તેમ જ ફાતુલ્લામાં પ્રૅક્ટિસ કરી રહી છે. ભારતની પહેલી મૅચ આવતી કાલે યજમાન બંગલા દેશ સામે છે. ગઈ કાલે મિડિયમ પેસ બોલર જસપ્રીત બુમરાહે પણ પ્રૅક્ટિસ કરી નહોતી. ટીમના મીડિયા મૅનેજર નિશાંત અરોરાએ કહ્યું હતું કે ‘પાર્થિવને અગમચેતીનાં પગલારૂપે ટીમમાં લેવામાં આવ્યો છે. જ્યાં સુધી બુમરાહનો સવાલ છે તેને હવાફેરને કારણે કેટલીક મુશ્કેલી હતી. એથી આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી.

ગુજરાતની રણજી ટ્રોફી ટીમના કૅપ્ટન ૩૦ વર્ષના વિકેટકીપર-બૅટ્સમૅન પાર્થિવે વિજય હઝારે ટ્રોફી અને દેવધર ટ્રોફીમાં સદી ફટકારી હતી. પાર્થિવે ભારત તરફથી છેલ્લી મૅચ ૨૦૧૨માં ઑસ્ટ્રેલિયા સામે ટ્રાયેન્ગ્યુલર સિરીઝ દરમ્યાન બ્રિસ્બેનમાં શ્રીલંકા સામે રમી હતી. તેણે થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું કે નૅશનલ ટીમમાં વાપસી માટે તમામ પ્રયાસ કરી રહ્યો છું.