09 September, 2025 02:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન ભારતનો વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ઑલરાઉન્ડર અક્ષર પટેલ.
શારજાહમાં એપ્રિલ ૧૯૮૪માં શરૂ થયેલા ક્રિકેટ એશિયા કપની ૧૭મી સીઝન આજે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં શરૂ થશે. એ સમયે માત્ર ત્રણ ટીમ સાથે શરૂ થયેલી આ ટુર્નામેન્ટ આજે ૮ ટીમ વચ્ચે રમાઈ રહી છે. T20 વર્લ્ડ કપની તૈયારી માટે વર્ષ ૨૦૧૬ અને ૨૦૨૨ બાદ આ વર્ષે T20 ફૉર્મેટમાં એશિયા કપ રમાઈ રહ્યો છે. ભારત ૮ વખત અને શ્રીલંકા ૬ વખત આ ટુર્નામેન્ટ જીત્યું છે. બે વખતની વિજેતા ટીમ પાકિસ્તાન આ વખતે પોતાનો રેકૉર્ડ સુધારવાનો પ્રયાસ કરશે.
ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન ટુર્નામેન્ટની શરૂઆતથી એશિયા કપ રમી રહ્યા છે. બે દેશો વચ્ચેના ખરાબ માહોલને કારણે પાકિસ્તાને વર્ષ ૧૯૯૧માં ભારતમાં આયોજિત અને ભારતે વર્ષ ૧૯૮૬માં શ્રીલંકામાં આયોજિત એશિયા કપ રમ્યો નહોતો. શ્રીલંકા આ પહેલાંના ૧૬ એશિયા કપ રમ્યું છે, જ્યારે વર્ષ ૧૯૮૮માં આ ટુર્નામેન્ટમાં એન્ટ્રી કરનાર બંગલાદેશ સહિત ભારત અને પાકિસ્તાન એશિયા કપની ૧૫ સીઝન રમ્યા છે. અફઘાનિસ્તાન અને હૉન્ગકૉન્ગ ચાર-ચાર અને UAE ત્રણ વખત એશિયા કપ રમ્યાં છે. ઓમાનની ટીમ પહેલી વખત એશિયા કપમાં ઊતરશે.
૮ વખતનું એશિયા કપ ચૅમ્પિયન ભારત આ વખતે પણ વિજેતા બનવા માટે ફેવરિટ છે. એવામાં આ ટુર્નામેન્ટ ભારત વિરુદ્ધ અન્ય સાત ટીમનો જંગ બની રહેશે. એશિયન ક્રિકેટમાં સર્વોપરિતાની લડાઈમાં પાકિસ્તાન સહિતની અન્ય સાતેય ટીમ સુપરસ્ટારોથી ભરપૂર ભારતને પડકાર આપતી જોવા મળશે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વની ટીમ ઇન્ડિયા આવતી કાલે UAE સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.
શું છે એશિયા કપનું ફૉર્મેટ?
આજથી ૧૯ સપ્ટેમ્બર સુધી બન્ને ગ્રુપની ટીમ પોતાના ગ્રુપની અન્ય ત્રણ ટીમ સામે એક-એક મૅચ રમશે. બન્ને ગ્રુપની ટૉપ-ટૂ ટીમો ૨૦થી ૨૬ સપ્ટેમ્બર વચ્ચે સુપર-ફોર રાઉન્ડમાં ત્રણ-ત્રણ મૅચ રમશે. ૨૮ સપ્ટેમ્બરે સુપર-ફોર રાઉન્ડની ટૉપ-ટૂ ટીમ વચ્ચે ફાઇનલ જંગ થશે.
બન્ને ગ્રુપમાં કોણ છે મજબૂત ટીમ?
ગ્રુપ-Aમાં ઓછી અનુભવી UAE અને ઓમાન ટીમ સામે ભારત અને પાકિસ્તાન સૌથી મજબૂત ટીમ છે. એશિયા કપમાં ભારત ૬૫.૧૫ ટકા અને પાકિસ્તાન પંચાવન ટકા જીતનો રેકૉર્ડ ધરાવે છે. ગ્રુપ-Bમાં હૉન્ગકૉન્ગ અને બંગલાદેશ સાથે શ્રીલંકા અને અફઘાનિસ્તાન સૌથી મજબૂત ટીમ છે. શ્રીલંકા આ ટુર્નામેન્ટમાં હાઇએસ્ટ ૬૬.૬૭ ટકા જીતની ટકાવારી ધરાવે છે. ૧૫ સીઝન રમનાર બંગલાદેશ (૨૧.૮૨ ટકા) કરતાં આ ટુર્નામેન્ટમાં અફઘાનિસ્તાન (૩૬.૮૪ ટકા)ની જીતની ટકાવારી વધુ છે.
સમય, સ્થાન અને બ્રૉડકાસ્ટિંગ?
T20 એશિયા કપ 2025ની ૧૯માંથી ૧૮ મૅચ ભારતીય સમય અનુસાર રાતે ૮ વાગ્યે શરૂ થશે. ૮ ટીમ વચ્ચેનો આ જંગ અબુ ધાબી અને દુબઈમાં રમાશે. ભારતમાં સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર તમામ મૅચ નિહાળી શકાશે.
એશિયા કપની ચૅમ્પિયન ટીમો
ભારત : વર્ષ ૧૯૮૪, ૧૯૮૮, ૧૯૯૧, ૧૯૯૫, ૨૦૧૦, ૨૦૧૬ (T20), ૨૦૧૮, ૨૦૨૩
શ્રીલંકા : વર્ષ ૧૯૮૬, ૧૯૯૭, ૨૦૦૪, ૨૦૦૮, ૨૦૧૪, ૨૦૨૨ (T20)
પાકિસ્તાન : વર્ષ ૨૦૦૦, ૨૦૧૨