શાંત રહીને મૅચ રમી નહીં શકાય, મેદાન પર આક્રમકતા હંમેશાં રહેશે

10 September, 2025 08:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારત-પાકિસ્તાન વચ્ચેના એશિયા કપ મુકાબલા માટે સૂર્યકુમાર યાદવ અને સલમાન અલી આગા બન્નેએ એક જ સ્વરમાં કહ્યું...

T20 એશિયા કપ 2025ની ઓપનિંગ મૅચ પહેલાં સવારે દુબઈમાં ૮ ટીમના કૅપ્ટન્સનું ટ્રોફી સાથે ફોટોશૂટ અને પ્રેસ-કૉન્ફરન્સ યોજાયાં હતાં.

અબુ ધાબીમાં T20 એશિયા કપ 2025ની ઓપનિંગ મૅચ પહેલાં સવારે દુબઈમાં ૮ ટીમના કૅપ્ટન્સનું ટ્રોફી સાથે ફોટોશૂટ અને પ્રેસ-કૉન્ફરન્સ યોજાયાં હતાં. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ મોહસીન નકવીએ પ્રેસ-કૉન્ફરન્સ પહેલાં ટ્રોફી લૉન્ચ કરીને કૅપ્ટન્સ સાથે ફોટો પડાવ્યો હતો. તેમણે સ્ટેજ પર હાજર ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવ સહિત તમામ પ્લેયર્સ સાથે હાથ પણ મિલાવ્યો હતો. 

અફઘાનિસ્તાનના કૅપ્ટન રાશિદ ખાન અને શ્રીલંકાના ચરિથ અસલંકાએ તેમની શરૂઆતની મૅચો પહેલાંની ચિંતાઓનો ઉલ્લેખ કરીને વ્યસ્ત શેડ્યુલ અને બે શહેરો વચ્ચેની મુસાફરીના થાક વિશે ટીકા કરી હતી. પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષ બાદ બન્નેની ક્રિકેટટીમ પહેલી વખત એશિયા કપ દરમ્યાન મેદાન પર ટકરાશે. બન્ને ટીમના કૅપ્ટન્સને પૂછવામાં આવ્યું કે આ હાઈ-વૉલ્ટેજ મૅચ દરમ્યાન બન્ને ટીમના પ્લેયર્સને આક્રમકતા ઓછી બતાવવા વિશે કોઈ સૂચના આપવામાં આવી છે?’ 

એના જવાબમાં ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું કે ‘જ્યારે અમે મેદાન પર ઊતરીએ છીએ ત્યારે આક્રમકતા હંમેશાં રહે છે અને મને નથી લાગતું કે તમે આક્રમકતા વિના આ રમત રમી શકો છો. હું મેદાન પર જવા અને રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.’ 

પાકિસ્તાની કૅપ્ટન સલમાન અલી આગાએ કહ્યું કે ‘તમારે કોઈ પ્લેયરને સૂચના આપવાની કે કંઈ કહેવાની જરૂર નથી, કારણ કે દરેક વ્યક્તિ વ્યક્તિગત રીતે ખૂબ જ અલગ હોય છે. જો કોઈ મેદાન પર આક્રમક બનવા માગે છે તો તેનું સ્વાગત છે. જ્યારે ફાસ્ટ બોલરોની વાત આવે છે ત્યારે તેઓ હંમેશાં આક્રમક હોય છે.’

બન્ને ટીમના કૅપ્ટન્સે પ્રેસ-કૉન્ફરન્સ બાદ સ્ટેજ પરથી ઊતર્યા પછી હાથ મિલાવીને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. 

t20 asia cup 2025 indian cricket team cricket news suryakumar yadav sports news sports