પાકિસ્તાની પ્લેયર્સ કારણ વગર અટૅક કરી રહ્યા હતા, આક્રમક બૅટિંગ જ યોગ્ય જવાબ હતો : અભિષેક શર્મા

23 September, 2025 08:52 AM IST  |  Abu Dhabi | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાન સામે રવિવારે મળેલી જીતમાં ભારતીય ઓપનર અભિષેક શર્મા ૩૯ બૉલમાં ૭૪ રન ફટકારીને મૅચ વિનિંગ ઇનિંગ્સ રમ્યો હતો

અભિષેકે આક્રમક ૭૪ રન ફટકાર્યા હતા

પાકિસ્તાન સામે રવિવારે મળેલી જીતમાં ભારતીય ઓપનર અભિષેક શર્મા ૩૯ બૉલમાં ૭૪ રન ફટકારીને મૅચ વિનિંગ ઇનિંગ્સ રમ્યો હતો. તેણે ૧૮૯.૭૪ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૬ ફોર અને પાંચ સિક્સર ફટકારી હતી. તે T20 ઇન્ટરનૅશનલમાં ૩૩૧ બૉલમાં ૫૦ સિક્સર ફટકારનાર ફાસ્ટેસ્ટ ક્રિકેટર બન્યો છે અને સાથે જ તેણે પાકિસ્તાન સામે ૨૪ બૉલમાં ફાસ્ટેસ્ટ ફિફ્ટી પણ નોંધાવી હતી.

મૅચના પહેલા બૉલથી જ અભિષેક શર્માએ શાનદાર શૉટ ફટકારવાનું શરૂ કરી દીધું હતું. જોકે અભિષેક શર્મા અને શુભમન ગિલનું રમત પરથી ધ્યાન ભટકાવવા પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી અને હારિસ રઉફે તેમના પર શાબ્દિક પ્રહાર શરૂ દીધા હતા છતાં બન્નેએ ૧૭૨ રનના ટાર્ગેટના જવાબમાં ૧૦૫ રનની ઓપનિંગ ભાગીદારી કરીને તેમને કડક જવાબ આપ્યો હતો. હાલના એશિયા કપમાં કોઈ પણ વિકેટ માટે આ પહેલી શતકીય ભાગીદારી હતી. જ્યારે પાકિસ્તાન સામે આ ફૉર્મેટમાં ભારતની આ પહેલી ૧૦૦+ રનની ઓપનિંગ પાર્ટનરશિપ હતી. શુભમન ગિલે ૮ ફોરની મદદથી ૨૮ બૉલમાં ૪૭ રન કરીને ૧૦મી ઓવર સુધી અભિષેકનો સાથ આપ્યો હતો.

પ્લેયર ઑફ ધ મૅચ બનેલા અભિષેકે પ્રેઝન્ટેશન સેરેમનીમાં કહ્યું હતું કે ‘મને પાકિસ્તાનના પ્લેયર્સ જે રીતે કોઈ પણ કારણ વગર અમારા પર હુમલો કરતા હતા એ ગમ્યું નહોતું એટલે આક્રમક બૅટિંગથી જ તેમને યોગ્ય જવાબ આપવાનો એકમાત્ર રસ્તો મારી પાસે બચ્યો હતો.’

t20 asia cup 2025 asia cup india pakistan indian cricket team team india abhishek sharma cricket news sports sports news