22 August, 2025 06:52 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ભારતીય ક્રિકેટ ટીમ અને પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓ (તસવીર સૌજન્ય: મિડ-ડે)
કેન્દ્ર સરકારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની રમતો અંગે મોટી જાહેરાત કરી છે. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય ટીમ પાકિસ્તાન જશે નહીં અને પાકિસ્તાની ટીમને પણ ભારત આવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
બીજી તરફ, એશિયા કપ અને ICC ટુર્નામેન્ટ જેવી મલ્ટી-નેશનલ ટુર્નામેન્ટને અલગ ગણવામાં આવશે. ભારત આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકે છે જો તે તટસ્થ (ન્યૂટ્રલ) સ્થળે યોજવામાં આવે. રમતગમત મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ભારતની નીતિમાં કોઈ ફેરફાર થયો નથી અને પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધો પુનઃસ્થાપિત કરવાનો કોઈ પ્રશ્ન જ નથી.
પરંતુ એશિયા કપ એક મલ્ટિનેશનલ ટુર્નામેન્ટ હોવાથી, ટીમ ઈન્ડિયા તેમાં રમશે. આ નિર્ણય પછી, એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેની ટક્કર ફક્ત એશિયા કપ અથવા ICC ટુર્નામેન્ટ જેવા પ્લેટફોર્મ પર જ જોવા મળશે.
અધિકારીએ કહ્યું - ભારતીય ટીમ અને ખેલાડીઓ તે આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લેશે જેમાં પાકિસ્તાની ટીમ અથવા ખેલાડીઓ પણ ભાગ લેશે. તેવી જ રીતે, પાકિસ્તાની ટીમ અને ખેલાડીઓને ભારતમાં યોજાનારી મલ્ટિ-નેશનલ ટુર્નામેન્ટમાં રમવાની મંજૂરી આપવામાં આવશે.
એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચ ક્યારે છે?
એશિયા કપમાં ભારત-પાકિસ્તાન ૧૪ સપ્ટેમ્બરે ટકરાશે. ફાઇનલ મેચ ૨૯ સપ્ટેમ્બરે રમાશે. આ ટુર્નામેન્ટ T20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાં રમાશે. આ ટુર્નામેન્ટ ૯ સપ્ટેમ્બરથી શરૂ થશે.
કયારથી ભારત અને પાકિસ્તાન દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝ રમ્યા નથી
ભારત અને પાકિસ્તાને 2012-13 સીઝન પછી કોઈ દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝ રમી નથી. ત્યારથી, બંને દેશોની પુરુષ અને મહિલા ટીમો ફક્ત મલ્ટિનેશનલ ટુર્નામેન્ટ અને બહુ-રમતગમત ઇવેન્ટ્સમાં જ એકબીજાનો સામનો કરે છે.
સુરક્ષાના કારણોસર, ભારતે 2023 માં પાકિસ્તાનમાં યોજાનાર એશિયા કપ અને 2025 માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં જવાનો ઇનકાર કર્યો હતો. આ પછી, આ ટુર્નામેન્ટ્સ તટસ્થ સ્થળોએ આયોજિત કરવામાં આવી હતી. તાજેતરમાં, પાકિસ્તાનની હોકી ટીમે પણ ભારતની યાત્રા કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે એશિયા કપ હોકી 28 સપ્ટેમ્બરથી રાજગીરમાં શરૂ થવાનો છે.
દરમિયાન, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો પ્રતિક્રિયા આપી રહ્યા છે કે ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાન સામે એશિયા કપ મેચ ન રમવી જોઈએ. પહલગામ આતંકવાદી હુમલા પછી આ માગ વધુ તીવ્ર બની હતી, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. આ હુમલા પછી, ભારતે સરહદ પાર આતંકવાદી માળખાને તોડી પાડવા માટે ઑપરેશન સિંદૂર શરૂ કર્યું.
આંતરરાષ્ટ્રીય રમતગમત માટે ભારતની નીતિ
આંતરરાષ્ટ્રીય રમતગમત માટે ભારતની નીતિ એ વાત પર પણ ભાર મૂકે છે કે દેશ હવે આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમો માટે એક વિશ્વસનીય સ્થળ તરીકે ઉભરી રહ્યો છે. આ અંતર્ગત, ખેલાડીઓ, ટીમ અધિકારીઓ, ટેકનિકલ સ્ટાફ અને આંતરરાષ્ટ્રીય રમતગમત સંગઠનોના અધિકારીઓ માટે વિઝા પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે. ભારતને આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમોનું આયોજન કરવા માટે એક પસંદગીનું સ્થળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ બધી સીરિઝ માટે વિઝા પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે.
નોંધનીય છે કે, આ સંગઠનોના પદાધિકારીઓને તેમના સત્તાવાર કાર્યકાળ દરમિયાન પ્રાથમિકતાના ધોરણે `મલ્ટી-એન્ટ્રી વિઝા` આપવામાં આવશે, જેની મહત્તમ અવધિ પાંચ વર્ષ હશે. આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર આનાથી ભારતમાં તેમનો પ્રવેશ સરળ બનશે અને દેશમાં તેમની અવરજવર સરળ બનશે.
આ રમત નીતિ અનુસાર, ભારતીય ટીમો અને ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ભાગ લેશે જેમાં પાકિસ્તાની ટીમો અથવા ખેલાડીઓ પણ ભાગ લેશે. તેવી જ રીતે, પાકિસ્તાની ટીમો અને ખેલાડીઓ ભારતમાં આયોજિત મલ્ટિનેશનલ ટુર્નામેન્ટમાં પણ ભાગ લઈ શકશે.