T20માં એકમાત્ર ટક્કર બાદ ભારત અને UAE નવ વર્ષે સામસામે રમશે

10 September, 2025 08:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બન્ને ટીમ વચ્ચે T20 ફૉર્મેટમાં એકમાત્ર ટક્કર માર્ચ ૨૦૧૬માં બંગલાદેશના મીરપુરમાં પહેલાં T20 એશિયા કપની ગ્રુપ સ્ટેજ-મૅચમાં થઈ હતી

પ્રતીકાત્મક તસવીર

સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારત આજે સાંજે ૮ વાગ્યે દુબઈ ઇન્ટરનૅશનલમાં યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) સામે પોતાના એશિયા કપ અભિયાનની શરૂઆત કરશે. બન્ને ટીમ વચ્ચે T20 ફૉર્મેટમાં એકમાત્ર ટક્કર માર્ચ ૨૦૧૬માં બંગલાદેશના મીરપુરમાં પહેલાં T20 એશિયા કપની ગ્રુપ સ્ટેજ-મૅચમાં થઈ હતી. એમાં ભારતે નવ વિકેટે જીત નોંધાવી હતી. બન્ને ટીમ નવ વર્ષ બાદ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સામસામે રમશે. બન્ને ટીમ વર્ષ ૧૯૯૪, ૨૦૦૪ અને ૨૦૧૫માં વન-ડે મૅચ રમી છે અને ત્રણેયમાં ભારતે બાજી મારી હતી.

વર્ષ ૨૦૦૪, ૨૦૦૮ અને ૨૦૧૬ બાદ ચોથી વખત એશિયા કપ રમનાર UAE સામે જીત મેળવી ભારતે એક મોટા રેકૉર્ડની બરોબરી કરી શકે છે. એશિયા કપમાં ટાઇટલ જીતવા માટે ભારત ૮ ટ્રોફી સાથે સૌથી આગળ છે, પરંતુ એશિયા કપમાં સૌથી વધુ મૅચ જીતવા માટે શ્રીલંકા (૬૬ મૅચ)ના રેકૉર્ડની બરોબરી કરવાની તક આજે ભારતીય ટીમ (૬૫ મૅચ) પાસે રહેશે. T20 એશિયા કપના ડિફેન્ડિંગ ચૅમ્પિયન શ્રીલંકાએ આ ટુર્નામેન્ટમાં ભારત બાદ સૌથી વધુ ૬ વખત ટાઇટલ જીત્યાં છે.

sports news sports suryakumar yadav united arab emirates indian cricket team cricket news t20 asia cup 2025 asia cup