16 June, 2023 11:22 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
પાકિસ્તાનમાં ૧૫ વર્ષ પછી પહેલી વાર બે કરતાં વધુ દેશો વચ્ચેની મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ રમાવાની છે. ગઈ કાલે સત્તાવાર જાહેરાત થયા મુજબ આગામી ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં રમાનારી એશિયા કપ વન-ડે ટુર્નામેન્ટની ૧૩માંથી ૪ મૅચ પાકિસ્તાનમાં અને ૯ મૅચ શ્રીલંકામાં રમાશે. ૩૧ ઑગસ્ટે પહેલી મૅચ રમાશે અને ૧૭ સપ્ટેમ્બરે ફાઇનલ મુકાબલો થશે. આખું શેડ્યુલ હવે પછી જાહેર થશે. શ્રીલંકામાં એશિયા કપની મૅચો કૅન્ડી અને પલ્લેકેલમાં રમાશે.
આખી ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં રમાવાની હતી, પણ બીસીસીઆઇએ ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન નહીં મોકલવાનો નિર્ણય જાહેર કર્યો એટલે પાકિસ્તાને હાઇબ્રીડ મૉડલ સૂચવ્યું હતું જેમાં એણે પોતાની કેટલીક મૅચો પોતાને ત્યાં અને ભારતની મૅચો તટસ્થ દેશમાં રાખવાનું સૂચવ્યું હતું. પાકિસ્તાને યુએઈને તટસ્થ દેશ બનાવવાની ઇચ્છા દર્શાવી હતી, પરંતુ ભારતે શ્રીલંકાનું નામ આગળ કર્યું હતું અને છેવટે બીસીસીઆઇનું જ ધાર્યું થયું છે.
પાકિસ્તાનમાં બે કરતાં વધુ દેશો વચ્ચેની મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૦૮માં (મુંબઈ ટેરર અટૅકના સાડાચાર મહિના પહેલાં) રમાઈ હતી. એ વન-ડેનો એશિયા કપ હતો જેની કરાચીની ફાઇનલમાં સનથ જયસૂર્યાના ૧૨૫ રન અને અજંથા મેન્ડિસની ૬ વિકેટને કારણે ભારતનો ૧૦૦ રનથી પરાજય થયો હતો. એ ટુર્નામેન્ટ પછી પાકિસ્તાનમાં ૨૦ દ્વિપક્ષી સિરીઝ રમાઈ છે, પરંતુ અસલામતીના કારણસર કોઈ મોટી ટુર્નામેન્ટ નથી રમાઈ.
કયા ગ્રુપમાં કોણ, ફૉર્મેટ કેવું?
આ વખતના વન-ડેના એશિયા કપમાં ભારત, પાકિસ્તાન અને નેપાલ એક ગ્રુપમાં અને શ્રીલંકા, અફઘાનિસ્તાન, બંગલાદેશ બીજા ગ્રુપમાં છે. બન્ને ગ્રુપની ટોચની બે-બે ટીમ સુપર ફોર સ્ટેજમાં જશે અને એ તબક્કાની ટોચની બે ટીમ વચ્ચે ફાઇનલ રમાશે.
ગયા વર્ષે ટી૨૦નો એશિયા કપ શ્રીલંકા જીત્યું હતું
છેલ્લે ૨૦૨૨માં એશિયા કપ ટુર્નામેન્ટ ટી૨૦ ફૉર્મેટમાં હતી, જેમાં પાકિસ્તાનને ૨૩ રનથી હરાવીને શ્રીલંકા ચૅમ્પિયન બન્યું હતું. જોકે વન-ડેનો છેલ્લો એશિયા કપ ૨૦૧૮માં યુએઈમાં રમાયો હતો જેની દુબઈ ખાતેની ફાઇનલમાં ભારતે એમએસ ધોનીના સુપર-પર્ફોર્મન્સની મદદથી બંગલાદેશને છેલ્લા બૉલમાં હરાવ્યું હતું.
3
છેલ્લે ૨૦૧૮માં રમાયેલા વન-ડેના એશિયા કપમાં કુલદીપ યાદવનો આટલી વિકેટનો ફાઇનલ-વિનિંગ પર્ફોર્મન્સ હતો.