૩૬ વર્ષનો થયો અશ્વિન

18 September, 2022 02:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય ક્રિકેટ બોર્ડે શુભેચ્છા આપતાં ગણાવી સ્પિનરની સિદ્ધિ

૩૬ વર્ષનો થયો અશ્વિન

ભારતીય ઑફ સ્પિનર રવિચન્દ્રન અશ્વિન ગઈ કાલે ૩૬ વર્ષનો થયો હતો. ભારતીય ક્રિકેટ બોર્ડે તેને શુભેચ્છા આપતાં સ્પિનરની સિદ્ધિઓ ગણાવી હતી અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી. અશ્વિનનો ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં રમાનારા વર્લ્ડ કપ માટે ભારતીય ટી૨૦ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેની સાથે ટીમમાં બે અન્ય સ્પિનર અક્ષર પટેલ અને યુઝવેન્દ્ર ચહલ પણ છે. ક્રિકેટ બોર્ડે કહ્યું કે ‘૨૫૫ આંતરરાષ્ટ્રીય મૅચ, ૬૫૯ આંતરરાષ્ટ્રીય વિકેટ અને ૩૭૯૯ આંતરરાષ્ટ્રીય રન, ટેસ્ટમાં ભારતીય ટીમમાં સૌથી વિકેટ લેનાર બીજા ક્રમાંકના બોલર, ૨૦૧૧ આઇસીસી ​વર્લ્ડ કપ અને ૨૦૧૩ આઇસીસી ચૅમ્પિયન્સ ટ્રોફી ટીમના ખેલાડી અશ્વિનને જન્મદિનની ખૂબ-ખૂબ ​શુભેચ્છા.’

આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સ તરીકે આ સીઝનમાં સાથે રમનાર ચહલે ટ્વીટ કરતાં કહ્યું, ‘એશઅન્નાને જન્મદિનની શુભેચ્છા.’

અશ્વિને ૨૦૧૦માં શ્રીલંકા સામે વન-ડે મૅચ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. એક સપ્તાહ બાદ તેણે ઝિમ્બાબ્વે સામે ટી૨૦ કરીઅરની શરૂઆત કરી હતી. તે ઘણી આઇપીએલની ટીમ તરફથી રમ્યો છે.

અશ્વિનને ૨૦૦૮માં ચેન્નઈ સુપર કિંગ્સ સાથે આઇપીએલ કરીઅરની શરૂઆત કરી હતી. અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં ૫૦, ૧૦૦, ૨૫૦ અને ૪૦૦ વિકેટ સુધી સૌથી ઝડપથી પહોંચનાર ભારતીય બોલર છે. ૨૦૧૬માં તે આઇસીસી ક્રિકેટર ઑફ ધ યર જીતનાર ત્રીજો ભારતીય બન્યો હતો. તેણે ટેસ્ટ ક્રિકેટમાં ૯ વખત મૅન ઑફ ધ સિરીઝ અવૉર્ડ જીત્યો છે. અશ્વિનના નામે ટેસ્ટમાં પાંચ સદીઓ છે, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર ૧૨૪ રન છે. તેણે એક ટેસ્ટમાં ૭ વખત ૧૦ વિકેટ ઝડપી છે. તે એક ઇનિંગ્સમાં ૧૦૦ રન બનાવવા ઉપરાંત પાંચ વિકેટ લેવાની સિદ્ધિ પણ મેળવી ચૂક્યો છે. ટેસ્ટમાં 
તેણે ૩૦ વખત પાંચ વિકેટ લીધી છે. 

sports news indian cricket team cricket news