સચિને પુત્ર અજુર્નની બોલિંગ સુધારવા નિષ્ણાત કોચ રોક્યો

14 November, 2014 06:04 AM IST  | 

સચિને પુત્ર અજુર્નની બોલિંગ સુધારવા નિષ્ણાત કોચ રોક્યો




બિપિન દાણી

ટીમ ઇન્ડિયા વતી એક ટેસ્ટ અને છ વન-ડે રમી ચૂકેલા ભૂતપૂર્વ ફાસ્ટ બોલર સુબ્રતો બૅનરજીને સચિન તેન્ડુલકરે પોતાના પુત્ર અજુર્નને બોલિંગ શીખવાડવા માટે રોક્યો છે. સુબ્રતો બૅનરજીએ કહ્યું હતું કે ત્રણેક મહિના પહેલાં સચિને મને વિનંતી કરી હતી કે તે અજુર્નની બોલિંગ પ્રત્યે ધ્યાન આપે અને હું મારા મિત્રની વિનંતી કેવી રીતે નકારી શકું? ૧૯૯૨માં ઑસ્ટ્રેલિયાના પ્રવાસના સમયે ભારતીય ટીમના બન્ને ખેલાડીઓ સચિન અને સુબ્રતો એકમેકના પરિચયમાં આવ્યા અને ગાઢ મિત્રો બન્યા હતા. તેણે વધુમાં કહ્યું હતું કે હું મારી જાતને અજુર્નનો આચરેકર તરીકે ઓળખાવવા નથી માગતો, પરંતુ બોલિંગ શ્રેત્રે સચિનનો પુત્ર આગળ વધે એ આશયથી તેને ટ્રેઇનિંગ આપું છું.

સચિન તેન્ડુલકરને આંતરરાષ્ટ્રીય હીરો બનાવવામાં રમાકાન્ત આચરેકરનો કોચ તરીકે સિંહફાળો રહ્યો છે. સુબ્રતોએ અજુર્નની ખાસિયત વિશે જણાવતાં કહ્યું હતું કે ‘અજુર્ન માત્ર બોલર જ નથી, ઓપનિંગ બૅટિંગ પણ કરી જાણે છે. પૂંછડિયા ક્રમે પણ બૅટિંગ કરે છે. તેના પિતા બૅટિંગ પર તો હું તેની બોલિંગ પર ધ્યાન આપું છું. અજુર્ન સારો ફાસ્ટ બોલર બની શકે છે. ખૂબ ઝડપથી શીખે છે. તે પ્રતિભાશાળી ખેલાડી તરીકે નામના રળી શકે એમ છે. લોકો તેની સરખામણી સચિન સાથે ન કરતા રહે તો સારું.’

સુબ્રતો બૅનરજી અજુર્નને એક વર્ષ માટે તાલીમ આપશે.