અજુર્ન તેન્ડુલકરને ત્રીજી મૅચમાં પણ ન રમવા મળ્યું

31 January, 2013 03:20 AM IST  | 

અજુર્ન તેન્ડુલકરને ત્રીજી મૅચમાં પણ ન રમવા મળ્યું



શૈલેશ નાયક

અમદાવાદ, તા. ૩૧

અહીં મોટેરાના સરદાર પટેલ સ્ટેડિયમમાં ગઈ કાલે વેસ્ટ ઝોન અન્ડર-૧૪ ટુર્નામેન્ટની સતત ત્રીજી મૅચમાં પણ મુંબઈની ટીમમાં અજુર્ન તેન્ડુલકરનો સમાવેશ નહોતો કરવામાં આવ્યો. મુંબઇની ટીમે પ્રથમ ગુજરાત સામે અને ત્યાર બાદ બરોડા સામે ત્રણ દિવસીય મૅચ જીતી લીધી હતી. આ બન્ને મૅચમાં અજુર્ન ૧૩મા ક્રમના રિઝર્વ ખેલાડી તરીકે હતો.

ઘૂંટણમાં બિલકુલ સારું છે

મુંબઈની ટીમના કોચ પ્રશાંત શેટ્ટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બન્ને મૅચમાં મુંબઈએ વિજય મેળવ્યો હોવાથી આ અમારી બેસ્ટ ટીમ છે અને અજુર્નનો એમાં સમાવેશ ન કરવાનું અમે નક્કી કર્યું હોવાથી તેણે ફરી બહાર બેસવું પડ્યું છે. તે પહેલી મૅચ ઘૂંટણની ઈજાને કારણે નહોતો રમી શક્યો, પરંતુ હવે તેને ઘૂંટણમાં ઘણું સારું છે.’

મહારાષ્ટ્રના પાંચ વિકેટે ૧૯૧


ત્રણ દિવસની મૅચમાં ગઇ કાલના પ્રથમ દિવસે મહારાષ્ટ્રની ટીમે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી અને રમતના અંતે મહારાષ્ટ્રનો સ્કોર પાંચ વિકેટે ૧૯૧ રન હતો. એમાં ઇર્શાદ શેખના ૮૮ રન અને કૅપ્ટન યશ ક્ષીરસાગરના ૬૬ રન હતા. મુંબઇ વતી ધૃવ વેદકે ૪૦ રનમાં બે અને અઝીમ શેખે ૪૭ રનમાં બે વિકેટ લીધી હતી.