અજુર્નની પા પા પગલી

26 June, 2012 09:02 AM IST  | 

અજુર્નની પા પા પગલી


પિતા સચિન તેન્ડુલકરને ગઈ કાલે એક તરફ ઑસ્ટ્રેલિયન ક્રિકેટના લેજન્ડ અને ચેન્નઈના એમઆરએફ પેસ ફાઉન્ડેશનમાં પચીસ વર્ષથી યુવાન પેસબોલરોને તાલીમ આપી રહેલા ડેનિસ લિલીએ ક્રિકેટજગતના ગ્રેટેસ્ટ પ્લેયર તરીકે ઓળખાવ્યો હતો અને બીજી બાજુ તેના પુત્ર અજુર્ન તેન્ડુલકરે ક્રિકેટમાં કરીઅર બનાવવાની દિશામાં પ્રથમ પગલું ભર્યું હતું.

છેલ્લા થોડા દિવસના તેના પફોર્ર્મન્સને આધારે તેને એમસીએના અન્ડર-૧૪ ઑફ સીઝન ટ્રેઇનિંગ કૅમ્પ માટેના ૩૨ સંભવિતોમાં સ્થાન આપવામાં આવ્યું છે. એમસીએની ઇન્ડોર ક્રિકેટ ઍકૅડેમીમાં આવતા મહિનાની ત્રીજી તારીખથી આ કૅમ્પ યોજાશે.

૧૨ વર્ષનો અજુર્ન બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સની ધીરુભાઈ અંબાણી ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ભણે છે. તે બૅટિંગ અને બોલિંગમાં લેફ્ટી છે. તે ટીમનો ભરોસાપાત્ર બૅટ્સમૅન ગણાય છે અને ટીમના મુખ્ય પેસબોલરોમાં તેની ગણતરી થાય છે.

શા માટે સિલેક્ટ થયો?

એમસીએ દ્વારા થોડા દિવસ પહેલાં યોજવામાં આવેલી સમર વૅકેશન અન્ડર-૧૪ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બહુ સારું ફૉર્મ બતાવ્યું હતું. એ સ્પર્ધાની પાંચ મૅચમાં તેણે ૨૫૦ કરતાં વધુ રન બનાવ્યા હતા.

એ ટુર્નામેન્ટમાં તેણે એક સેન્ચુરી (૧૨૪) અને એક હાફ સેન્ચુરી (૬૪) ફટકારી હતી.

એ ટુર્નામેન્ટમાં તે ખાર સેન્ટર વતી રમ્યો હતો અને સ્પર્ધાના ટોચના પ્લેયરોમાં તેનું પણ નામ લખાયું હતું.

ટુર્નામેન્ટમાં ખાર સેન્ટરને રનર-અપ બનાવવામાં અજુર્નનું મોટું યોગદાન હતું.

પિતાની જેમ અજુર્નમાં અનેક ગુણો : કોચ

એમસીએની ટુર્નામેન્ટમાં રનર-અપ રહેનાર ખાર સેન્ટરના કોચ રાજેશ સનીલે ગઈ કાલે ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘અજુર્ન બહુ સારા ફૉર્મમાં છે અને કરીઅરની શરૂઆત કરવા માટે તેને બહુ સારો મોકો મળ્યો છે જેનો તેણે એ ઝડપી લેવો જોઈએ. ફાઇનલ ટીમ જાહેર થવાને હજી થોડા દિવસ બાકી છે એટલે તેણે વધુ પ્રૅક્ટિસ કરીને કૅમ્પ માટે તૈયાર થઈ જવું જોઈએ. આ સંભવિત પ્લેયરો નવેમ્બર અને જાન્યુઆરીમાં વધુ બે સિલેક્શન ટુર્નામેન્ટો રમશે. મને આશા છે કે અજુર્ન એમાં દરેકને પ્રભાવિત કરશે.’

કોચ રાજેશ સનીલે પિતા સચિન જેવા કેટલાક ગુણો પુત્ર અજુર્નમાં પણ છે એની વાત કરતા કહ્યું હતું કે ‘અજુર્ન બહુ સારો ક્રિકેટર છે. ક્રિકેટને લગતી પૂરી શિસ્તભાવના પણ તેનામાં છે. ક્રિકેટમાં સફળતાઓ અપાવવા માટેના આ બધા જરૂરી ગુણો તેનામાં છે, પરંતુ તેણે ફીલ્ડિંગ સુધારવાની ખાસ જરૂર છે. જોકે તે હજી માંડ ૧૨ વર્ષનો છે એટલે સમય જતાં તે મૅચ્યોર પ્લેયર જરૂર બની જશે. મને અજુર્નના અમુક ગુણો ખૂબ ગમ્યા છે. તે પિતાની જેમ રમતી વખતે ક્રિકેટ એન્જૉય કરે છે અને પિતાની જેમ ક્યારેય પ્રેશરમાં નથી આવતો અને રમતી વખતે ક્રિકેટમાં ઓતપ્રોત થઈ જાય છે. તે પિતાની જેમ સમયનું પાલન કરનારો અને નિયમિત છે. તે દરેક વસ્તુ બહુ જલદી શીખી લે છે.’

૩૨ સંભવિતોમાં ત્રણ ગુજરાતીઓ

એમસીએ દ્વારા સિલેક્ટ કરવામાં આવેલા ૩૨ સંભવિતોમાં ત્રણ ગુજરાતી પ્લેયરો (આકાશ સાવલા, જય દવે, સૂરજ પટેલ)નો સમાવેશ છે.

૩૨ સંભવિતો : અજુર્ન તેન્ડુલકર, આકાશ સાવલા, ભુપેન લાલવાણી, રિદ્દિશ સાવંત, અમન શર્મા, પૃથ્વી શૉ, કૌસ્તુભ દીપ્તે, અગ્નિ ચોપડા, જય દવે, મેહતાબ અન્સારી, તનુશ કોટિયન, આકાશ મલબારી, ઓજસ પંડિત, ઓમ જાધવ, હશિર દફેદાર, રિશીકેશ પડવળ (વિકેટકીપર), મહેશ પાટીલ, ધ્રુવ વેદક, વરુણ જોઇજોડે, સિદાક સિંહ, અઝીમ શેખ, શિવમ મેહરોત્રા, સર્વેશ રાહતે, મુકુંદ સરદાર, રાહુલ દુબે, સૂરજ પટેલ, આફતાબ અન્સારી, પ્રથમેશ ચવાણ (વિકેટકીપર), આદિત્ય ઝા, સમિત પવાર, સાગર છાબરિયા અને જયરાજ દેશમુખ.

એમઆરએફ = મદ્રાસ રબર ફૅક્ટરી

એમસીએ = મુંબઈ ક્રિકેટ અસોસિએશન