મારા દીકરાને ટીમના નૉર્મલ મેમ્બરની જેમ રમત માણવા દેજો : સચિન

11 January, 2013 03:33 AM IST  | 

મારા દીકરાને ટીમના નૉર્મલ મેમ્બરની જેમ રમત માણવા દેજો : સચિન



૨૦ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી સુધી અમદાવાદમાં યોજાનારી અન્ડર (યુ)-૧૪ વેસ્ટ ઝોન લીગ મૅચો માટેની મુંબઈની ટીમમાં સચિન તેન્ડુલકરના પુત્ર અજુર્નની પસંદગી થઈ છે. ગયા જૂનમાં અજુર્નનું નામ સંભવિત ખેલાડીઓમાં આવ્યું હતું.  ૧૩ વર્ષના આ ખેલાડીએ પોતાની પહેલી સદી પણ ફટકારી હતી. તે ડાબોડી બૅટ્સમૅન તથા લેફ્ટ આર્મ મિડિયમ પેસ બોલર છે.

પોતાના પુત્રની પસંદગીથી સચિન તેન્ડુલકર ખુશ છે. તેણે કહ્યું હતું કે  ‘અન્ય તમામ પેરન્ટ્સની જેમ હું પણ ખુશ છું. મુંબઈ યુ-૧૪ની ટીમનો તે સભ્ય બન્યો એ બદલ ગર્વ અનુભવું છું. તેની મહેનતનું જ આ ફળ છે. એવી આશા કરું છું કે લોકો તેને ટીમના અન્ય સભ્યોની જેમ જ આ રમતનો આનંદ લેવા દેશે.’ અજુર્નના એક કોચે કહ્યું હતું કે ‘ક્રિકેટની રમતમાં તે હજી પગલાં ભરી રહ્યો છે. તેની ક્ષમતા વિશે હમણાંથી કશું પણ કહેવું વધુ પડતું હશે. બીજા ખેલાડીની જેમ જ તેની તરફ જોવું જોઈએ.’

 જોકે મુંબઈ ક્રિકેટ અસોસિએશન (એમસીએ) તેનાથી ઘણી આશાઓ રાખી રહ્યું છે. એમસીએના જૉઇન્ટ સેક્રેટરી તથા જુનિયર સિલેક્શન પૅનલ કન્વીનર ડૉ. પી. વી. શેટ્ટીએ કહ્યું હતું કે ‘એમસીએ દ્વારા સમર વેકેશનમાં આયોજિત યુ-૧૪ ટુર્નામેન્ટમાં અજુર્ને ઘણો સારો દેખાવ કર્યો હતો. તે સચિન તેન્ડુલકરનો પુત્ર છે અને સારી રમત રમે એવી અમે આશા રાખી રહ્યા છીએ. તે એક આશાસ્પદ ખેલાડી છે એટલું ચોક્કસ.’

અજુર્ન વિશે જાણો

અજુર્ને અન્ડર-૧૪માં પ્રથમ સેન્ચુરી થોડા દિવસ પહેલાં ક્રૉસ મેદાનમાં ખાર જિમખાના વતી ગોરેગામ સેન્ટર સામેની મૅચમાં ફટકારી હતી. તેણે ત્યારે એક સિક્સર અને ૧૪ ફોરની મદદથી ૧૨૪ રન બનાવ્યા હતા.

અજુર્ન ધીરુભાઈ અંબાણી ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ભણે છે. તેણે નવેમ્બર ૨૦૧૧માં પોતાની સ્કૂલ વતી જમનાબાઈ નરસી સ્કૂલ સામેની એક મૅચમાં બાવીસ રનમાં ૮ વિકેટ લઈને પોતાની સ્કૂલને જીત અપાવી હતી. ૨૪ સપ્ટેમ્બર ૧૯૯૯ના દિવસે જન્મેલો અજુર્ન ઘણી વખત તેના પિતા સચિન તેન્ડુલકર સાથે સ્ટેડિયમમાં જઈને મૅચ જુએ છે.

મુંબઈ અન્ડર-૧૪ ટીમ

અજુર્ન તેન્ડુલકર, આકાશ સાવલા, દર્શન પાડારે, વૈષ્ણવ નાર્વેકર, તનુશ કોટિયન, અઝીમ શેખ, ઓમકાર રહાટે, અભિષેક શેટ્ટી, અગ્નિ ચોપરા, ધ્રુવ વેદક, હશીર દફેદાર, માનસ રાઇકર, જય દવે, જહાંગીર અન્સારી અને યશ જોશી.