નેટ-પ્રૅક્ટિસમાં અજુર્ન પહેલાં નર્વસ, પછી મૂડમાં આવી ગયો

20 January, 2013 06:11 AM IST  | 

નેટ-પ્રૅક્ટિસમાં અજુર્ન પહેલાં નર્વસ, પછી મૂડમાં આવી ગયો



શૈલેશ નાયક

અમદાવાદ, તા. ૨૦

અમદાવાદના મોટેરા સ્ટેડિયમના બી ગ્રાઉન્ડ પર ગઈ કાલે સચિન તેન્ડુલકરનો પુત્ર અજુર્ન નેટ-પ્રૅક્ટિસ કરવા આવ્યો ત્યારે તેને જોવા ક્રિકેટ-લવર્સ એકઠા થઈ ગયા હતા, જેને કારણે તે અનકમ્ફર્ટ ફીલ કરતો જોવા મળ્યો હતો. જોકે પાછી તે મૂડમાં આવી ગયો હતો. બ્લૅક ગૉગલ્સ સાથે મેદાનમાં પ્રૅક્ટિસ કરી રહેલા અજુર્નમાં સચિનની છાંટ વર્તાતી હતી.

મોટેરામાં સચિનનો દીકરો અજુર્ન મૅચ રમવા આવ્યો છે એ વાતની જાણ થતાં ગઈ કાલે ક્રિકેટ-લવર્સ તેને જોવા મેદાન પર દોડી ગયા હતા. સચિન પછી અજુર્ન પણ અમદાવાદમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયો હતો. મોટેરામાં મુખ્ય મેદાનની પાછળની સાઇડમાં ત્રણ બીજાં ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યાં છે. એમાંના બી ગ્રાઉન્ડ પર મુંબઈ અને ગુજરાતની અન્ડર-૧૪ની ટીમના ક્રિકેટરો

નેટ-પ્રૅક્ટિસ કરી રહ્યા હતા. બાજુના ગ્રાઉન્ડમાં ઍડવોકેટ્સ વચ્ચે મૅચ રમાઈ રહી હતી ત્યારે કેટલાક ઍડ્વોકેટ્સને આ વાતની જાણ થતાં તેઓ અજુર્નને જોવા અને તેની સાથે ફોટો પડાવવા આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત અન્ય ક્રિકેટચાહકો અને ખાસ કરીને બાળકો અજુર્નને જોવા અને તેની સાથે ફોટો પડાવવા બી ગ્રાઉન્ડના દરવાજા પાસે એકઠાં થઈ ગયાં હતાં. જોકે સિક્યૉરિટીનાં કારણોસર કોઈને ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. નિરાશ થયેલા ક્રિકેટચાહકોએ તેમના મોબાઇલમાં દૂરથી અજુર્નના ફોટો પાડ્યા હતા.

ગ્રાઉન્ડના દરવાજા પાસે ભીડ થતાં અજુર્ન અનકમ્ફર્ટ ફીલ કરતો અને થોડો નર્વસ  જણાયો હતો. આ બાબતની જાણ તેના સિક્યૉરિટી ગાર્ડ્સને થતાં તેમણે અજુર્નને કૉર્ડન કરી લીધો હતો. આ પરિસ્થિતિ જાણી ગયેલા મુંબઈની ટીમના મૅનેજર પ્રવીણ ગોગરી પણ અજુર્ન પાસે પહોંચી ગયા હતા અને તેને પ્રોત્સાહિત કરવા લાગ્યા હતા. જોકે પછી અજુર્ન મૂડમાં આવી ગયો હતો અને પૅડ પહેરીને બૅટિંગ-પ્રૅક્ટિસ કરવા નેટમાં ઊતર્યો હતો. ત્યાર બાદ તે ગ્રાઉન્ડમાં બીજી તરફની સાઇડ પર બૅટિંગ-પ્રૅક્ટિસ કરવા પહોંચી ગયો હતો. પછી અજુર્ને બોલિંગમાં પણ હાથ અજમાવ્યો હતો અને સ્પિન બોલિંગ કરતાં પહેલા જ બૉલે સાથી બૅટ્સમૅનને ક્લીન બોલ્ડ કરતાં ઉત્સાહમાં આવી ગયો હતો. તેણે ટીમના અન્ય સભ્યો સાથે ફીલ્ડિંગ પણ કરી હતી.

સુસવાટા મારતા ઠંડાગાર પવન વચ્ચે ટીમે પ્રૅક્ટિસ કરી અને અમદાવાદનાં મોટાં બોર મોજથી ખાધાં

વેસ્ટ ઝોનની અન્ડર ૧૪ની મૅચ રમવા અમદાવાદ આવી પહોંચેલી મુંબઈની ટીમના કિશોર વયના ક્રિકેટરોએ સુસવાટા મારતા ઠંડાગાર પવનો વચ્ચે ગઈ કાલે સવારે ચાર કલાક સુધી સખત નેટ-પ્રૅક્ટિસ કરીને મૅચ જીતવા કમર કસી હતી.

અમદાવાદમાં છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને એમાં શીત લહેર ભળતાં ઠંડી વધુ કાતિલ બની છે. મુંબઈની અન્ડર ૧૪ની ટીમે મોટેરા સ્ટેડિયમમાં ગઈ કાલે સવારે સાડાનવ વાગ્યાથી બપોરે સવા વાગ્યા સુધી પ્રૅક્ટિસ કરી હતી. મોટેરા સ્ટેડિયમના બી ગ્રાઉન્ડમાં ક્રિકેટરો જ્યાં પ્રૅક્ટિસ કરી રહ્યા હતા એની બિલકુલ પાછળના ભાગમાં સાબરમતી નદીનો વિશાળ પટ આવેલો છે અને નદીના આ પટ પરથી ઊઠતા સુસવાટા મારતા ઠંડા પવનો વચ્ચે મુંબઈના પ્લેયરોએ તેમના કોચ પ્રશાંત શેટ્ટી, મૅનેજર પ્રવીણ ગોગરી, ફિઝિયો કુંજલ શાહ અને અન્ય સ્ટાફ-મેમ્બર્સના માર્ગદર્શનમાં નેટ- પ્રૅક્ટિસ, વૉર્મ-અપ અને પ્રાણાયામ કર્યા હતાં.

મુંબઈની સરખામણીમાં અમદાવાદમાં ઠંડી વધુ હોવાનો એકરાર કરતાં કોચ પ્રશાંત શેટ્ટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અહીંની આબોહવા અનુકૂળ આવે એ માટે અમે અહીં બે દિવસ વહેલા આવી ગયા છીએ. આ બૅટિંગ-પિચ લાગે છે એટલે અમારા બૅટ્સમેનો સારો દેખાવ કરશે.’

મુંબઈના ક્રિકેટરો નેટ- પ્રૅક્ટિસ કરી રહ્યા હતા એ દરમ્યાન તેમના માટે ત્રણ કિલો મોટાં બોર મગાવવામાં આવ્યાં હતાં. અમદાવાદનાં મોટાં બોર જાણીતાં છે. આ બોર ખાઈને મુંબઈના ક્રિકેટરો ખુશ થયા હતા.

મુંબઈની સાથે ગુજરાતની અન્ડર ૧૪ની ટીમે પણ સુસવાટા મારતા પવનો વચ્ચે નેટ- પ્રૅક્ટિસ કરી હતી. જોકે મુંબઈ કરતાં ગુજરાતની ટીમે સમયની રીતે ઓછી પ્રૅક્ટિસ કરી હતી.