અર્જુનને આઇપીએલ પછી રણજી ટ્રોફીમાં પણ નિરાશા

25 May, 2022 03:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જુનિયર તેન્ડુલકરને મુંબઈ ઇન્ડિયન્સ વતી રમવા ન મળ્યું અને હવે જૂનમાં રણજી નૉકઆઉટમાં રમનારી મુંબઈની ટીમમાંથી પણ થઈ ગઈ બાદબાકી ઃ પૃથ્વી શૉ કૅપ્ટન

અર્જુન તેંદુલકર

અગાઉ નક્કી થયા મુજબ રણજી ટ્રોફીની વર્તમાન સીઝનનો નૉકઆઉટ રાઉન્ડ આઇપીએલની ૨૯ મેની ફાઇનલ બાદ એટલે જૂન મહિનામાં શરૂ થઈ રહ્યો છે અને મુંબઈની ક્વૉર્ટર ફાઇનલ ૬ જૂને બૅન્ગલોરમાં ઉત્તરાખંડ સામે રમાશે. બીજી ત્રણ ક્વૉર્ટર ફાઇનલ બેંગાલ-ઝારખંડ, કર્ણાટક-ઉત્તર પ્રદેશ અને પંજાબ-મધ્ય પ્રદેશ વચ્ચે રમાશે. જોકે મુંબઈની ટીમ વિશે એક નવાઈની વાત એ છે કે સપ્ટેમ્બરમાં ૨૩ વર્ષના થનારા અર્જુન તેન્ડુલકરને હજી આ ટીમ વતી રમવાનો મોકો જ નથી મળ્યો. ફેબ્રુઆરીમાં તેને મુંબઈ ઇન્ડિયન્સે ૩૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ તેને આઇપીએલમાં એકેય મૅચ ન રમવા મળી. ફેબ્રુઆરીમાં તેને મુંબઈની રણજી ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ લીગ રાઉન્ડની એકેય મૅચ ન રમવા મળી અને હવે રણજી નૉકઆઉટ રાઉન્ડ માટે જાહેર કરાયેલી મુંબઈની ટીમમાંથી તેને પડતો મૂકવામાં આવ્યો છે.
અર્જુનને મુંબઈ ઇન્ડિયન્સ વતી ૧૪માંથી એકેય મૅચમાં ન રમવા મળ્યું એ બદલ સોશ્યલ મીડિયા પર અર્જુનના ચાહકોમાં કૅપ્ટન રોહિત શર્મા ખૂબ ટ્રોલ થયો હતો.
ઓપનર પૃથ્વી શૉને ફરી મુંબઈની ટીમનો કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ટીમમાં મિડલ-ઑર્ડર બૅટર સરફરાઝ ખાન અને એના ૧૮ વર્ષના ઓપનિંગ બૅટર તથા લેફ્ટ-આર્મ સ્પિનર મુશીર ખાન સામેલ છે. સલીલ અન્કોલા, ગુલામ પારકાર, સુનીલ મોરે, પ્રસાદ દેસાઈ અને આનંદ યલ્વિગીની સિલેક્શન કમિટીએ ભૂતપૂર્વ ભારતીય ઓપનર વસીમ જાફરના ભત્રીજા અરમાન જાફરને મુંબઈની ટીમમાં સમાવ્યો છે. ઈજાને કારણે અજિંક્ય રહાણે અને શિવમ દુબે મુંબઈની ટીમમાં નથી.
મુંબઈની ટીમ ઃ પૃથ્વી શૉ (કૅપ્ટન), યશસ્વી જૈસવાલ, ભૂપેન લાલવાની, અરમાન જાફર, સરફરાઝ ખાન, મુશીર ખાન, સુવેદ પારકર, આકર્ષિત ગોમેલ, આદિત્ય તરે (વિકેટકીપર), હાર્દિક તમોરે, અમન ખાન, સાઇરાજ પાટીલ, શમ્સ મુલાની, ધ્રુમિલ માટકર, તનુષ કોટિયન, શશાંક ઍટાર્ડે, ધવલ કુલકર્ણી, તુષાર દેશપાંડે, મોહિત અવસ્થી, રૉયસ્ટન દાસ અને સિદ્ધાર્થ રાઉત.

sports news arjun tendulkar