મેસીને નિવૃત્તિ પરત ખેંચવા આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિની અપીલ

29 June, 2016 03:48 AM IST  | 

મેસીને નિવૃત્તિ પરત ખેંચવા આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિની અપીલ



આર્જેન્ટિનાના દિગ્ગજ ફુટબૉલ-ખેલાડી ડિએગો મૅરડોના અને દેશના રાષ્ટ્રપતિ માઉરિસિયો મૅક્રીએ લિયોનેલ મેસીને વિનંતી કરી છે કે તે નૅશનલ ટીમને ન છોડે. બીજી તરફ નિરાશાજનક હાર બાદ મેસીએ નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. બાર્સે‍લોનાનો આ સુપરસ્ટાર ચિલી સામે કોપા અમેરિકા ફુટબૉલ ચૅમ્પિયનશિપના શૂટઆઉટમાં પેનલ્ટી કિક ચૂકી જવાને કારણે આંખમાં આંસુ સાથે મેદાનની બહાર ચાલ્યો ગયો હતો. આર્જેન્ટિના ચિલી સામેની મૅચ હારી ગયું હતું.

તેણે રોકાવું જ પડશે : મૅરડોના


મેસીએ બાદમાં પત્રકારોને કહ્યું હતું કે તે નિવૃત્તિ લઈ રહ્યો છે જેને કારણે આર્જેન્ટિનાના ફુટબૉલ આલમમાં હલચલ મચી ગઈ હતી, કારણ કે લોકો રશિયામાં થનારા ૨૦૧૮ના વર્લ્ડ કપ માટે મેસી પાસેથી ઘણી આશા રાખી રહ્યા હતા. મૅરડોનાએ કહ્યું હતું કે ‘તેણે રોકાવું જ પડશે, કારણ કે તેની પાસે રમવા માટે હજી ઘણા દિવસો છે. તે વર્લ્ડ ચૅમ્પિયન બનવા રશિયા જશે.’

૨૯ વર્ષના મેસીને દુનિયાનો સર્વશ્રેષ્ઠ ખેલાડી માનવામાં આવે છે, પરંતુ આર્જેન્ટિનાની ટીમની તેની હાજરી છતાં આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટની ફાઇનલમાં આ ચોથી હાર હતી.

ટીકાઓ પર ધ્યાન ન આપે

આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ મૅક્રીએ પણ મેસીને ટીમમાં રહેવા માટે અપીલ કરી હતી. રાષ્ટ્રપતિના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિએ મેસીને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે તે નૅશનલ ટીમના પ્રદર્શન પર ઘણો ગર્વ અનુભવે છે. મેસીએ ટીકા પર ધ્યાન ન આપવું જોઈએ.

મેસીની નિવૃત્તિની અમારા પર અસર નહીં પડે : તાતા મોટર્સ

૨૦૧૫માં ભારતીય કંપની તાતા મોટર્સે વૈશ્વિક સ્તરે પોતાની બ્રૅન્ડને આગળ ધપાવવા માટે મેસી સાથે લાંબા સમયનો કૉન્ટ્રૅક્ટ કરતાં તેને પોતાનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનાવ્યો હતો. કંપનીના વાઇસ પ્રેસિડન્ટ (સેલ્સ) એસ. એન. બર્મને કહ્યું હતું કે જ્યાં સુધી અમારી બ્રૅન્ડની વાત છે તો અમારા મતે મેસીની આંતરરાષ્ટ્રીય ફુટબૉલમાંથી નિવૃત્તિની અમારા પર અસર નહીં પડે. ફુટબૉલ-ખેલાડી મેસીએ પહેલી વખત કોઈ ભારતીય કંપની માટે પ્રચાર કર્યો હતો.