વિરાટ ટીમે કર્યું લંકાહરણ

10 November, 2014 06:09 AM IST  | 

વિરાટ ટીમે કર્યું લંકાહરણ



બૅટ્સમેન તથા બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે ભારતે શ્રીલંકાને ત્રીજી વન-ડે મૅચમાં ૬ વિકેટથી હરાવીને પાંચ મૅચોની સિરીઝ ૩-૦થી જીતી લીધી હતી. શ્રીલંકાએ આપેલા ૨૪૩ રનના લક્ષ્યાંકને ટીમ ઇન્ડિયાએ બહુ સરળતાથી ૪૫ ઓવરમાં જ પાર પાડ્યો હતો. શિખર ધવને આક્રમક બૅટિંગ કરતાં ૯૧ રન બનાવ્યા હતા. જોકે મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ શ્રીલંકાના માહેલા જયવર્દનેને ૧૧૮ રન બનાવવા માટે મળ્યો હતો.

૨૪૩ રનના લક્ષ્યાંકને મેળવવા માટે મેદાનમાં ઊતરેલી ટીમ ઇન્ડિયાએ સારી શરૂઆત કરી હતી. અજિંક્ય રહાણે તથા શિખર ધવને ૬૨ રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી. ત્યાર બાદ ધવન તથા અંબાતી રાયુડુ વચ્ચે પણ ૬૯ રનની પાર્ટનરશિપ થઈ હતી. રાયુડુ રનઆઉટ થયો હતો. ત્યાર બાદ ચોથા નંબરે આવેલા વિરાટ કોહલીએ શિખર ધવન સાથે મળીને ભારતને જીતની નજીક લાવી દીધું હતું. શિખર ધવન ૯૧ રને કુલસેકરાની બોલિંગમાં સંગકારાના હાથમાં કૅચઆઉટ થયો હતો.

ભારતના ઉમેશ યાદવે ૯ ઓવરમાં ૫૩ રન આપીને ૪ વિકેટ તો અક્ષર પટેલે ૧૦ ઓવરમાં ૪૦ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. કૅપ્ટન વિરાટ કોહલીએ આ મૅચની જીતનું શ્રેય બોલરોને આપ્યું હતું જેણે શ્રીલંકાને માત્ર ૨૪૨ રન જ કરવા દીધા.


લકી ચાર્મ



સ્ટેડિયમમાં મૅચ જોતી અનુષ્કા શર્મા.



ચમકારા

ભારત શ્રીલંકા સામે ઘરઆંગણે ક્યારેય વન-ડે સિરીઝ નથી હાર્યું

૧૩૬ ઇનિંગ્સમાં ૬૦૦૦ રન પૂરો કરનાર વિશ્વનો સૌથી ઝડપી વન-ડે બૅટ્સમૅન બન્યો વિરાટ કોહલી

૪૮ ઇનિંગ્સમાં ૨૦૦૦ રન પૂરા કરનારો સૌથી ઝડપી ભારતીય વન-ડે બૅટ્સમૅન બન્યો શિખર ધવન

૨૫૦ કે એથી ઓછા રન કર્યા હોય એમ છતાં ભારતને હરાવવામાં શ્રીલંકા અત્યાર સુધી માત્ર એક વખત જ સફળ થયું છે

વન-ડેમાં ૧૨,૦૦૦ કરતાં વધુ રન કરનારો માહેલા જયવર્દને વિશ્વનો પાંચમો બૅટ્સમૅન બન્યો.