વિરાટને બચાવવા મેદાનમાં ઊતરી અનુષ્કા

18 October, 2014 04:10 AM IST  | 

વિરાટને બચાવવા મેદાનમાં ઊતરી અનુષ્કા



રશ્મિન શાહ

ઇંગ્લૅન્ડ સામે ધબડકો થયા પછી ભારતના ક્રિકેટ ર્બોડે વિરાટ કોહલીને ઇંગ્લૅન્ડમાં ટૂર દરમ્યાન તેની ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્માની હાજરીના મુદ્દે સાણસામાં લીધો હતો અને તેને શો-કૉઝ નોટિસ આપી હતી. આ નોટિસનો જવાબ પ્લેયરે પોતે જ આપવાનો હોય, પણ વિરાટ જવાબ આપે એ પહેલાં તેની ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્માએ આઉટ ઑફ વે જઈને ક્રિકેટ ર્બોડના કેટલાક મેમ્બરોને પર્સનલી ઈ-મેઇલ કરી હતી અને એમાં વિરાટનો બચાવ કર્યો હતો. ક્રિકેટ ર્બોડના એક મેમ્બરના કહેવા મુજબ અનુષ્કાએ એક નહીં પણ બબ્બે ઈ-મેઇલ કરી હતી અને એ બન્ને ઈ-મેઇલમાં વિરાટ પ્રત્યેની તેની લાગણી દેખાતી હતી. એક ઈ-મેઇલમાં અનુષ્કાએ લખ્યું હતું કે ‘મારી ફિલ્મ ફ્લૉપ જાય તો મારો કોઈ પ્રોડ્યુસર વિરાટને એનો દોષ નથી આપતો તો એવું જ વિરાટ સાથે હોવું જોઈએ. બન્નેની પ્રોફેશનલ ટર્મ્સને પર્સનલ ટર્મ્સમાં લાવવાની ક્યાંય જરૂર નથી.’


અનુષ્કાએ કરેલી ઈ-મેઇલ વિશેની વાત અત્યાર સુધી ખાનગી રાખવામાં આવી હતી, પણ હવે એ બહાર આવી છે જે માટેનું જો કોઈ અગત્યનું કારણ હોય તો એ છે કે ર્બોડના કેટલાક મેમ્બરો ચુસ્તપણે ક્રિકેટના નીતિનિયમોને વળગી રહેવા માગે છે, જ્યારે કેટલાક મેમ્બરો રિલેશનને પણ ધ્યાનમાં રાખવા માગે છે. અનુષ્કાએ એક ઈ-મેઇલમાં ર્બોડના એક સિનિયર હોદ્દેદારના નામ સાથે લખ્યું હતું કે તેમની પરમિશન પછી અમે ટૂર દરમ્યાન મળતાં હતાં. ર્બોડના એક મેમ્બરે કહ્યું હતું કે વાઇફ કે ફિયાન્સે સિવાય કોઈને પણ આ પ્રકારની પરમિશન મળી ન શકે અને કોઈ આપી પણ ન શકે, પછી ભલે એ ર્બોડના પ્રેસિડન્ટ પણ કેમ ન હોય.

અનુષ્કા શર્માએ આ ઈ-મેઇલ સપ્ટેમ્બરના એન્ડમાં લખી હતી. ઈ-મેઇલની લૅન્ગ્વેજ પરથી એવું પણ ખબર પડે છે કે તે પોતાનો બળાપો કાઢી રહી છે. અનુષ્કાએ એક જગ્યાએ એવો આક્ષેપ કર્યો હતો કે ર્બોડને કારણે જ આ રિલેશનની વાત મીડિયા સુધી પહોંચી રહી હોય એવું લાગે છે. મજાની વાત એ છે કે અનુષ્કાએ કરેલી એક પણ ઈ-મેઇલનો જવાબ ર્બોડે આપ્યો નથી. ર્બોડના એક સભ્યે કહ્યું હતું કે ‘અમે કોઈને જવાબ આપવા માટે બંધાયેલા નથી. અમે તો આ ઈ-મેઇલને એક જન્ક ઈ-મેઇલ ગણીને ભૂલી ગયા છીએ, પણ જો ભવિષ્યમાં આવું બને તો એનાં પગલાં વિરાટે ભોગવવાં પડે એવું બની શકે છે.’