જે નાનકડા ઘરમાં ધોની રહેતો હતો ત્યાં પહોંચ્યા અનુપમ ખેર

30 November, 2015 07:12 AM IST  | 

જે નાનકડા ઘરમાં ધોની રહેતો હતો ત્યાં પહોંચ્યા અનુપમ ખેર

વિનમ્ર વ્યક્તિ : ધોનીના પપ્પા પાન સિંહ સાથે અનુપમ ખેર.


ભારતીય ટીમના વન-ડેના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની બાળપણમાં રાંચીના જે ક્વૉર્ટરમાં રહેતો હતો એની મુલાકાત શનિવારે ઍક્ટર અનુપમ ખેરે લીધી હતી. ઘરની આસપાસ રહેતા લોકો સાથે તેમણે ધોનીના બાળપણ વિશેની વાતો કરી હતી. અનુપમે તેના ફોટોઓને પણ સોશ્યલ મીડિયામાં શૅર કર્યા હતા જેમાં લખ્યું હતું કે જીવનમાં કેવા ચમત્કાર થતા હોય છે એની ધોનીના ઘરને જોઈને ખબર પડે છે. આ પોસ્ટને હજારોની સંખ્યામાં લોકોએ જોયા અને શૅર કર્યા હતા. અનુપમ ખેર અત્યારે રાંચીમાં ધોની પર બની રહેલી ‘એમ. એસ. ધોની - ધ અનટોલ્ડ સ્ટોરી’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. અનુપર ખેરે રાંચીમાં ધોનીના પપ્પા પાન સિંહ સાથે પણ ફોટો પડાવ્યો હતો જેમાં લખ્યું હતું કે તેમને મળીને મને મારા પપ્પાની યાદ આવી ગઈ. પુત્રની સિદ્ધિઓની તેમના પર કોઈ અસર થઈ નથી. એટલા જ વિનમ્ર છે. અનુપમ ખેરે ઝારખંડના મુખ્ય પ્રધાન રઘુવર દાસની પણ મુલાકાત લીધી હતી. 


પત્રકારો સાથે વાતચીત કરતાં અનુપમ ખેરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ- મૅચનો વિરોધ કરતાં કહ્યું હતું કે જ્યાં સુધી સરહદ પરનું વાતાવરણ શાંત ન થાય ત્યાં સુધી ક્રિકેટ-સિરીઝ ન રમાવી જોઈએ. 


કાશ્મીરમાં અત્યારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં માર્યા ગયેલા સંતોષ મહાડિકના સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે ‘ક્રિકેટ ન રમીને આપણે ભોગ બનેલા પરિવાર પ્રત્યે આપણી સંવેદનશીલતા દર્શાવીશું. જ્યારે નિર્દોષ લોકોને મારવાનું બંધ થઈ જશે ત્યારે આપણે વિચારીશું. અત્યારે કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી.’