કુંબલેની કટકી સામે બોર્ડને વાંધો હતો?

14 December, 2011 09:26 AM IST  | 

કુંબલેની કટકી સામે બોર્ડને વાંધો હતો?



નવી દિલ્હી/બૅન્ગલોર: અનિલ કુંબલેએ સોમવારે બૅન્ગલોરની નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીનું અધ્યક્ષસ્થાન છોડી દીધું ત્યાર બાદ ગઈ કાલે એ પાછળના કારણ વિશે કુંબલે અને ક્રિકેટ બોર્ડ વચ્ચેનું ઘર્ષણ સપાટી પર આવી ગયું હતું. કુંબલેએ પોતાના સૂચનોને બોર્ડના મોવડીઓ તેમ જ ઍકૅડેમીની કમિટીના મેમ્બરો ક્યારેય ધ્યાનમાં જ નહોતા લેતા એવું જે કારણ આપ્યું એના જવાબમાં બોર્ડનું કહેવું સાવ અલગ જ હતું.

બોર્ડની નજીકની કેટલીક વ્યક્તિઓ પાસેથી મળેલી માહિતી મુજબ કુંબલેએ ઍકૅડેમીમાં તાલીમ લેતા પ્લેયરોની ઈજાની બાબતમાં શું પગલાં લેવા અને ઈજા રોકવા શું કરવું એ વિશેનો ૧૫ કરોડની કિંમતનો સૉફ્ટવેર પ્રૉજેક્ટ બોર્ડ ખરીદે એવો આગ્રહ રાખતો હતો જે બોર્ડને માન્ય નહોતું. બોર્ડ સાથે સંકળાયેલી એક વ્યક્તિના જણાવ્યા મુજબ ‘કુંબલેની ટેનવિક નામની પોતાની સૉફ્ટવેર કંપની છે અને થોડા મહિના પહેલાં એ કંપની મારફત તેણે ૧૫ કરોડ રૂપિયાનો સૉફ્ટવેર પ્રોગ્રામ બોર્ડ ખરીદે એવું સૂચન કર્યું હતું જે ઍકૅડેમીના કમિટીમેમ્બરોએ નહોતું સ્વીકાર્યું. હવે કુંબલે બીજી એક સૉફ્ટવેર કંપનીનું આવું જ સૂચન લઈને આવ્યો હતો જે પણ કમિટીએ નકાર્યું હતું.’

એવું મનાય છે કે જો બોર્ડે તેનું નવું સૂચન સ્વીકાર્યું હોત તો તેને સૉફ્ટવેર કંપની પાસેથી કમિશન મળ્યું હોત.