મારું કોઈ સાંભળતું જ ન હોય તો શુંકામ ચૅરમૅન બની રહું : કુંબલે

13 December, 2011 09:26 AM IST  | 

મારું કોઈ સાંભળતું જ ન હોય તો શુંકામ ચૅરમૅન બની રહું : કુંબલે



બૅન્ગલોર: ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને દેશના સૌથી સફળ બોલર ૪૧ વર્ષના અનિલ કુંબલેએ ગઈ કાલે બૅન્ગલોરની નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (એનસીએ)ના અધ્યક્ષસ્થાનેથી રાજીનામું આપી દીધું એ વિશે કેટલાક કારણો ગઈ કાલે ભારતીય ક્રિકેટમાં ખૂબ ચર્ચામય થયા હતા. જોકે ખુદ કુંબલેએ રાત્રે પ્રત્યાઘાતમાં જણાવ્યું હતું કે ‘હું બોર્ડને એનસીએની પ્રવૃત્તિઓ સુધારવાની બાબતમાં જે સૂચનો કરતો હતો એને બોર્ડ અને ૧૪ મેમ્બરોની અમારી કમિટીના મેમ્બરો ફગાવી જ દેતા હતા. મેં બહુ સારી ર્દીઘદૃષ્ટિ ધરાવતા સૂચનો રજૂ કર્યા હતા. ત્રણ વર્ષમાં એનસીએને ઘણી આગળ લાવવાના પગલાં મેં સૂચવ્યા હતા. જોકે કોઈ એ સાથે સહમત થતું જ નહોતું. મને થયું કે મારું કોઈ સાંભળતું જ ન હોય તો શા માટે ચૅરમૅનપદે રહું.’

એનસીએ થોડા સમયથી પ્લેયરો માટે રીહેબિલિટેશન સેન્ટર જેવું બની ગયું છે. એની ૧૪ મેમ્બરોની કમિટીમાં કુંબલેની સાથે બોર્ડપ્રમુખ એન. શ્રીનિવાસન, જોઇન્ટ સેક્રેટરીઓ સંજય જગદાળે તથા અનુરાગ ઠાકુર, ખજાનચી અજય શિર્કે, ચીફ ઍડમિનિસ્ટ્રેટિવ ઑફિસર રત્નાકર શેટ્ટી, ઉપપ્રમુખ રણજીબ બિસ્વાલ તેમ જ એનસીએ બોર્ડના મેમ્બરો રાકેશ પરીખ, જ્ઞાનેન્દ્ર પાન્ડે, એનસીએ ક્રિકેટ ઑપરેશન્સના ડિરેકટર સંદીપ પાટીલ અને બીજા કેટલાક મેમ્બરોનો સમાવેશ હતો.

કુંબલેનાં કેટલાંક હિતો ટકરાતાં હતાં

કુંબલે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ અસોસિએશનનો પ્રમુખ તેમ જ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરનો ચીફ મેન્ટર છે. તે એનસીએનું પ્રમુખપદ માનદ તરીકે સંભાળતો હતો. બીજા શબ્દોમાં કહીએ તો એનો તેને કોઈ પગાર નહોતો મળતો. તેણે એનસીએનું પ્રમુખપદ પોતાના હિતો ટકરાતા હોવાના આક્ષેપને પગલે છોડી દીધું હોવાનું ગઈ કાલે નકારી કાઢ્યું હતું.

કુંબલેના બે પ્રિય પ્લેયરો ભારતીય ટીમમાં

કર્ણાટકના પેસબોલરો વિનયકુમાર અને શ્રીનાથ અરવિંદ આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)માં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વતી રમે છે અને આ બન્ને બોલરોનું મૅનેજમેન્ટનું કામ કુંબલેની ટેનવિક નામની સ્પોર્ટ્સ મૅનેજમેન્ટ કંપની સંભાળે છે.

કુંબલેની કંપનીનું નામ ટેનવિક કેવી રીતે પડ્યું?

કુંબલેની ટેનવિક નામની સ્પોર્ટ્સ મૅનેજમેન્ટ કંપનીનું નામ ૧૯૯૯માં તેણે પાકિસ્તાન સામે ૧૦ (ટેન) વિકેટ લઈને જે ઐતિહાસિક પર્ફોર્મ કર્યું હતું એના પરથી રાખવામાં આવ્યું છે.