ખિલખિલાતા સ્મિત, પ્રેમની ઝપ્પી અને સપનાંઓને સાકાર કરતાં અમે અમારી બેબી ગર્લનું સ્વાગત કરીએ છીએ

08 May, 2026 02:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લગ્નના એક દાયકા બાદ મમ્મી-પપ્પા બનેલાં દેવિશા અને સૂર્યકુમાર યાદવે લખ્યું...

મમ્મી-પપ્પા બનેલાં દેવિશા અને સૂર્યકુમાર યાદવ

ભારતના T20 વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન સૂર્યકુમાર યાદવની પત્ની દેવિશા શેટ્ટીએ ગઈ કાલે બેબી ગર્લને જન્મ આપ્યો છે. ૬ વર્ષના ડેટિંગ બાદ જુલાઈ ૨૦૧૬માં બન્નેએ લગ્ન કર્યાં હતાં. લગ્નના એક દાયકા બાદ બન્નેના ઘરે પહેલા સંતાનરૂપે દીકરીનું આગમન થયું છે.

દીકરીના નાના કોમળ હાથને બન્નેએ પોતાના હાથમાં રાખીને ફોટો શૅર કર્યો હતો. સૂર્યકુમાર યાદવ અને દેવિશા શેટ્ટીએ આ ફોટો શૅર કરીને લખ્યું કે ‘ખિલખિલાતા સ્મિત, પ્રેમની ઝપ્પી અને સપનાંઓને સાકાર કરતાં અમે અમારી બેબી ગર્લનું સ્વાગત કરીએ છીએ.’

વર્લ્ડ કપ જીત્યા બાદ માર્ચ ૨૦૨૬માં આ કપલનો બેબી શાવરનો વિડિયો પણ વાઇરલ થયો હતો. ૩૫ વર્ષનો સૂર્યકુમાર મુંબઈ સાથે ફરી ક્યારે જોડાશે એ હજી નક્કી નથી. રવિવારે બૅન્ગલોર સામે રમવા છત્તીસગઢના રાયપુરમાં મુંબઈના મોટા ભાગના પ્લેયર્સ પહોંચી ચૂક્યા છે.

IPL 2026ની ખરાબ સીઝન વચ્ચે દીકરીના જન્મથી સૂર્યા ઍન્ડ ફૅમિલીમાં ખુશીની લહેર ફેલાઈ છે. વર્તમાન સીઝનમાં મુંબઈની ટીમ માત્ર ત્રણ જીત સાથે તળિયાની ટીમોમાંથી એક છે. સૂર્યા આ સીઝનની ૧૦ મૅચમાં ૧૯.૫૦ની ઍવરેજ અને ૧૪૫.૫૨ના સ્ટ્રાઇક-રેટથી ૧ ફિફ્ટીની મદદથી માત્ર ૧૯૫ રન કરી શક્યો છે. 

mumbai indians suryakumar yadav celebrity edition cricket news sports news