ગરીબ મજૂરોની મદદે આવ્યો ક્રિકેટર મોહમ્મદ શમી, BCCIએ વીડિયો શૅર કર્યો

02 June, 2020 05:30 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ગરીબ મજૂરોની મદદે આવ્યો ક્રિકેટર મોહમ્મદ શમી, BCCIએ વીડિયો શૅર કર્યો

ગરીબોની મદદે આવેલો મોહમ્મદ શમી (તસવીર સૌજન્ય: BCCI)

કોરોના વાયરસ (COVID-19) મહામારીને લીધે અનેક તકલીફો ભોગવી રહેલા પ્રવાસી મજૂરોની પરિસ્થિતિ જોઈને વ્યથિત થયેલા ભારતીય ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીએ તેમની મદદ કરવાનું નક્કી કર્યું હતું. ક્રિકેટરે ઉત્તર પ્રદેશના સાહસપુરમાં પોતાના ઘર પાસે ગરીબ પ્રવાસી મજૂરોની મદદ માટે ખાવા-પીવાની વસ્તુઓનું વિતરણ કેન્દ્ર બાનવ્યું છે.

બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI)એ એક વીડિયો શૅર કર્યો છે, જેમાં મોહમ્મદ શમી માસ્ક અને ગ્લવ્સ પહેરીને બસોમાં જઈને લોકોને ફુડ પેકેટ્સ અને માસ્ક પહોંચાડી રહ્યો છે. BCCIએ લખ્યું છે કે, કોરોના સામેની લડાઈમાં ગરીબોની મદદ માટે મોહમ્મદ શમી આગળ આવ્યો છે. તેણે ઉત્તર પ્રદેશ નેશનલ હાઇવે 24 પર લોકોને માસ્ક અને ફુડ પેકેટ્સનું વિતરણ કર્યું છે. તેણે પોતાના ઘર પાસે ભોજન વિતરણ કેન્દ્ર પણ બનાવ્યું છે. શમીનું કહેવું છે કે આ તેની ફરજ છે.

મોહમ્મદ શમી અત્યારે ઉત્તર પ્રદેશમાં તેના ગામડામાં છે. દરમ્યાન તે સોશ્યલ મીડિયા પર પણ બહુ ઍક્ટિવ હોય છે. થોડાંક દિવસો પહેલા ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે લાઈવ ચૅટમાં શમીએ કહ્યું હતું કે, જ્યારે મજૂરોએ પગપાળાં ચાલવાની શરૂઆત કરી હતી તે દિવસોમાંથી એક દિવસે મજૂર તેના ફાર્મહાઉસના દરવાજા પાસે બેભાન થઈ ગયો હતો. ત્યારે અમે તેને જમાડયો હતો અને પછી તેની મદદ કરી હતી. શમીએ કહ્યું હતું કે, એ માણસ બિહાર જવા માટે પગપાળાં જ નીકળી ગયો હતો. તેમજ આ ચૅટ સેશનમાં શમીએ ખુલાસો કર્યો હતો કે આ મુશ્કેલીના સમયમાં ગરીબોને તે ચોખાનું વિતરણ કરી રહ્યો છે.

coronavirus covid19 lockdown sports sports news cricket news mohammed shami