રાયુડુની સદીને કારણે ભારત ૨-૦થી આગળ

07 November, 2014 05:59 AM IST  | 

રાયુડુની સદીને કારણે ભારત ૨-૦થી આગળ




અંબાતી રાયુડુની નૉટઆઉટ સદીને કારણે અમદાવાદમાં રમાયેલી બીજી વન-ડેમાં ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાને છ વિકેટથી હરાવ્યું હતું. પાંચ મૅચોની સિરીઝમાં હવે ભારત ૨-૦થી આગળ છે. શ્રીલંકાએ પ્રથમ બૅટિંગ કરતાં ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૨૭૪ રન કર્યા હતા જેમાં કૅપ્ટન ઍન્જેલો મૅથ્યુઝના ૯૨ રનનો મહત્વનો ફાળો હતો. જવાબમાં ટીમ ઇન્ડિયા ક્યારેય મુશ્કેલીમાં જણાય નહોતી. એણે આ લક્ષ્યાંક માત્ર ૪૪.૩ ઓવરમાં આંબીને મૅચ જીતી લીધી હતી. કૅપ્ટન વિરાટ કોહલીએ ૨૯ વર્ષના રાયુડુને પોતાને બદલે ત્રીજા ક્રમાંક પર રમવા માટે મોકલ્યો. ૧૧૮ બૉલમાં ૧૦ ચોક્કા અને ચાર છગ્ગાની મદદથી ૧૨૧ રન ફટકારીને રાયુડુએ કૅપ્ટનના વિશ્વાસને સાચો સબિત કરી આપ્યો હતો.

રાયુડુએ શિખર ધવન સાથે બીજી વિકેટ માટે ૧૨૨ રન તથા ત્રીજી વિકેટ માટે વિરાટ કોહલી સાથે ૧૧૬ રનની પાટર્નરશિપ કરી હતી. અણનમ સદી ફટકારી હોય એવો રાયુડુ ટીમ ઇન્ડિયાનો ચોથો બૅટ્સમૅન છે. બે કૅચ તથા એક રનઆઉટ પણ કરવા બદલ તેને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો. એ પહેલાં શ્રીલંકાના કૅપ્ટન ઍન્જેલો મૅથ્યુઝે મોટેરા સ્ટેડિયમની ધીમી પિચ પર ૯૨ રન ફટકારી ટીમના સ્કોરને ૨૭૪ રન સુધી પહોંચાડ્યો હતો. શ્રીલંકાએ શરૂઆતમાં જ મહત્વની વિકેટો ગુમાવી દીધી હતી, પરંતુ કૅપ્ટન મૅથ્યુઝ તથા કુમાર સંગકારાના ૬૪ રનના પરિણામે શ્રીલંકા સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યું હતું.