રાયુડુ-રસેલે કાંગારૂઓને ખૂબ હંફાવ્યા

14 February, 2013 06:49 AM IST  | 

રાયુડુ-રસેલે કાંગારૂઓને ખૂબ હંફાવ્યા


ચેન્નઈ:

ઇન્ડિયન બોર્ડ પ્રેસિડન્ટ્સ ઇલેવન વતી રમતા રાયુડુએ ૧૫૦ બૉલમાં ત્રણ સિક્સર અને નવ ફોરની મદદથી ૮૭ રન અને આઠમા નંબરે આવેલા કાશ્મીરના રસૂલે ૫૪ બૉલમાં એક સિક્સર અને ચાર ફોરની મદદથી ૩૬ રન બનાવ્યા હતા. બન્ને વચ્ચે ૬૭ રનની ભાગીદારી થઈ હતી. ઑસ્ટ્રેલિયનોના ૨૪૧ રનના જવાબમાં ઇન્ડિયન બોર્ડ પ્રેસિડન્ટ્સ ઇલેવન ૨૩૦ રનના ટોટલ પર ઑલઆઉટ થતાં ઑસ્ટ્રેલિયનોને ૧૧ રનની લીડ મળી હતી, પરંતુ રાયુડુ-રસૂલની ભાગીદારી તેમના માટે માથાનો દુખાવો બની ગઈ હતી.

૬૧ રનમાં ઇન્ડિયન બોર્ડ પ્રેસિડન્ટ્સ ઇલેવનની ૪ વિકેટ પડી ગઈ હતી, પરંતુ રાયુડુ અને પાર્થિવ પટેલની ૪૧ રનની ભાગીદારીથી ટીમનું પતન અટક્યું હતું અને ત્યાર બાદ રાયુડુ-રસૂલની પાર્ટનરશિપે ટીમની લાજ રાખી હતી.

રસૂલે આ મૅચમાં મંગળવારના પ્રથમ દિવસે ૪૫ રનમાં ૭ વિકેટ લીધી હતી અને ગઈ કાલે બૅટિંગમાં પણ સારું પર્ફોમ કર્યું હતું. તેના ૩૬ રન ટીમમાં સેકન્ડ-બેસ્ટ હતા.

મુકુંદના ૮૧ બૉલમાં માત્ર ૨૧ રન

રાયુડુ-રસૂલ સિવાય ઇન્ડિયન બોર્ડ પ્રેસિડન્ટ્સ ઇલેવનનો રૉબિન ઉથપ્પા અને પાર્થિવ પટેલ સહિતનો કોઈ પણ બૅટ્સમૅન પચીસ રન પણ નહોતો બનાવી શક્યો. કૅપ્ટન અભિનવ મુકુંદ ખૂબ ધીમું રમ્યો હતો. તે ૮૧ બૉલમાં ફક્ત ૨૧ રન બનાવી શક્યો હતો.

હેન્રિકેસની ચાર, લાયનની ત્રણ વિકેટ


ઑસ્ટ્રેલિયાના ૨૪૧ રનના જવાબમાં ઇન્ડિયન બોર્ડ પ્રેસિડન્ટ્સ ઇલેવનની ટીમ ૨૩૦ રનના ટોટલ પર ઑલઆઉટ થઈ ગઈ હતી અને ઑસ્ટ્રેલિયન ટીમ ૧૧ રનની લીડ લેવામાં સફળ થઈ હતી. એના આઠ બોલરોએ બોલિંગ કરી હતી જેમાંથી પેસબોલર મોઇઝેઝ હેãન્રકેસે ચાર અને સ્પિનર નૅથન લાયને ત્રણ વિકેટ લીધી હતી. મુંબઈ ઇન્ડિયન્સે આઇપીએલ માટે ૫.૪૦ કરોડ રૂપિયામાં ખરીદેલા ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલ સહિત ત્રણ બોલરો એક-એક વિકેટ લેવામાં સફળ થયા હતા, પરંતુ પીટર સીડલ અને સ્ટીવન સ્મિથને એકેય વિકેટ નહોતી મળી.

શનિવારથી બીજી પ્રૅક્ટિસ-મૅચ

હવે શનિવારે ચેન્નઈમાં ઑસ્ટ્રેલિયનોની ઇન્ડિયા ‘એ’ સામે ત્રણ દિવસની મૅચ શરૂ થશે.

ટેસ્ટ-ટીમમાંથી બહાર કરવામાં આવેલો ગૌતમ ગંભીર ઇન્ડિયા ‘એ’નો કૅપ્ટન છે.