શમીએ જિતાડી આપી બીજી મૅચ

12 October, 2014 04:44 AM IST  | 

શમીએ જિતાડી આપી બીજી મૅચ




પહેલી વન-ડેમાં ૧૨૪ રને પરાજય બાદ ગઈ કાલે દિલ્હીના ફિરોજશા કોટલા મેદાનમાં ભારતે ૪૮ રને વિજય મેળવીને વેસ્ટ ઇન્ડીઝ સામેની પાંચ મૅચોની સિરીઝને ૧-૧થી ઇક્વલ કરી હતી. પહેલાં બૅટિંગ લઈને ધોનીના ધુરંધરોએ ૨૬૩ રન બનાવ્યા હતા અને વેસ્ટ ઇન્ડીઝને ૨૬૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે તેમની ટીમ ૪૬.૩ ઓવરમાં ૨૧૫ રને ઑલઆઉટ થઈ હતી. છેલ્લાં નવ વર્ષથી ભારત આ સ્ટેડિયમમાં હાર્યું નથી. વળી ચાર વિકેટ લેનારા મોહમ્મદ શમીને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.

ટાર્ગેટનો લક્ષ્યાંક પાર પાડવા ઊતરેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમે સારી શરૂઆત કરી હતી અને ઓપનર ડ્વેઇન સ્મિથ ફુલ ફૉર્મમાં હતો. તેણે ૯૭ બૉલમાં ૧૧ ફોર અને બે સિક્સરની મદદથી ૯૭ રન બનાવ્યા હતા અને માત્ર ત્રણ રન માટે સદી ચૂક્યો હતો. કીરોન પોલાર્ડે ૪૦ રન, ડૅરેન બ્રાવોએ ૨૬ રન અને રવિ રામપૉલ તથા માર્લન સૅમ્યુલ્સે ૧૬-૧૬ રન બનાવ્યા હતા. ભારત વતી મોહમ્મદ શમીએ કાતિલ બૉલિંગ કરી હતી અને ૯.૩ ઓવરમાં ૩૬ રન આપીને ચાર વિકેટ લીધી હતી. આ સિવાય રવીન્દ્ર જાડેજાને ૪૪ રનમાં ત્રણ વિકેટ, અમિત મિશ્રાને ૪૦ રનમાં બે વિકેટ અને ઉમેશ યાદવને ૪૨ રનમાં એક વિકેટ મળી હતી.

દિલ્હીના ફિરોજશા કોટલા મેદાનમાં ભારતીય ટીમે ટૉસ જીતીને બૅટિંગ સ્વીકારી હતી, પણ બીજી ઓવરમાં શિખર ધવન એક રને જેરોમ ટેલરની બોલિંગમાં બોલ્ડ થયો હતો. વનડાઉન આવેલા અંબાતી રાયડુએ ફટકાબાજી કરી હતી, પણ સામા છેડે અજિંક્ય રહાણે ભારતના ૫૦ રન થયા ત્યારે ૧૨ રને પૅવિલિયનભેગો થયો હતો. ૭૪ના ટોટલ સ્કોર પર જ્યારે ૩૨ રને અંબાતી રાયડુ આઉટ થયો ત્યારે ભારતની હાલત ખરાબ થશે એવું લાગતું હતું, પણ વિરાટ કોહલીએ ૭૮ બૉલમાં પાંચ ફોરની સાથે ૬૨ રન અને સુરેશ રૈનાએ ૬૦ બૉલમાં પાંચ ફોર અને બે સિક્સરની મદદથી બનાવેલા ૬૨ રન તથા મહેન્દ્ર સિંહ ધોનીએ ૪૦ બૉલમાં પાંચ ફોર અને એક સિક્સરની મદદથી ૫૧ નૉટઆઉટ રન બનાવતાં ભારત સાત વિકેટે ૨૬૩ રન બનાવી શક્યું હતું. ભુવનેશ્વર કુમારે ૧૪ બૉલમાં ૧૮ રન ફટકાર્યા હતા.

ચક્રવાત છતા મંગળવારે વિશાખાપટ્ટનમમાં ત્રીજી વન-ડે

આન્ધ્ર પ્રદેશમાં ચક્રવાત હુડહુડને કારણે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે વિશાખાપટ્ટનમમાં મંગળવારે યોજાનારી ત્રીજી વન-ડે મૅચનું સ્થળ બદલાશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવતી હતી, પણ ક્રિકેટ બોર્ડે કહ્યું હતું કે આ મૅચનું સ્થળ બદલાશે નહીં.

આન્ધ્ર પ્રદેશ ક્રિકેટ બોર્ડના સેક્રેટરી ગોકારાજુ ગંગારાજુએ કહ્યું હતું કે વરસાદનું એક પણ ટીપું પાણી મેદાનમાં રહેશે નહીં, કારણ કે મેદાનને વરસાદથી બચાવવા માટે ફુલપ્રૂફ તૈયારી છે.