07 July, 2023 02:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આલમગીર તરીન
૨૦૨૧માં પાકિસ્તાન સુપર લીગ (પીએલસએલ)માં ચૅમ્પિયન અને ૨૦૨૨ તથા ૨૦૨૩માં રનર-અપ રહેલી મુલતાન સુલતાન્સ ટીમના માલિક આલમગીર તરીને લાહોરમાં આત્મહત્યા કરી છે. તેઓ ૬૩ વર્ષના હતા. ગઈ કાલે સવારે તેમના નિવાસસ્થાને તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યા મુજબ તેમની રૂમમાંથી હાથથી લખેલી ચિઠ્ઠી મળી આવી હતી. તેઓ પાકિસ્તાનના જાણીતા બિઝનેસમૅન હતા અને જાણીતા વૉટર પ્યૉરિફિકેશન પ્લાન્ટની માલિકી પણ ધરાવતા હતા.
૨૦૧૮માં તેમણે ભત્રીજા અલી ખાન તરીન સાથે મળીને મુલતાન સુલતાન્સ ફ્રૅન્ચાઇઝી ખરીદ્યું હતું અને ૨૦૨૧માં અલી ખાનનો ઇક્વિટી શૅર પણ ખરીદી લીધો હતો. આલમગીરની આ ટીમ પીએસએલની સતત સારું પર્ફોર્મ કરતી ટીમ મનાતી હતી, કારણ કે આ ટીમ છેલ્લાં ત્રણેય વર્ષની પીએસએલની ફાઇનલમાં પહોંચી હતી. પાકિસ્તાનનો વિકેટકીપર-બૅટર મોહમ્મદ રિઝવાન મુલતાન સુલતાન્સ ટીમનો કૅપ્ટન છે અને આ ટીમ વતી કીરોન પોલાર્ડ, ડેવિડ મિલર, રાઇલી રુસો, વેઇન પાર્નેલ, કાર્લોસ બ્રેથવેઇટ અને આદિલ રાશિદ રમી ચૂક્યા છે. અહીં યાદ અપાવવાની કે ૨૦૦૪ની સાલમાં વીરેન્દર સેહવાગે પાકિસ્તાનના મુલતાન શહેરમાં પાકિસ્તાન સામેની ટેસ્ટના પ્રથમ દાવમાં ટ્રિપલ સેન્ચુરી (૩૦૯ રન) કરી ત્યારથી વીરુદાદાને મુલતાન કા સુલતાન’ તરીકે ઓળખાવવામાં આવે છે.